ગુજરાત
News of Wednesday, 21st April 2021

મ્યુ.કમિશનર બંછાનિધી પાની અને વેલજીભાઇ શેટાના હસ્તે

સુરતમાં પાટીદાર ટ્રસ્ટ દ્વારા ઓકિસજનની સુવિધા સાથે કોવિડ કેર આઇસોલેશન સેન્ટર શરૂ

સુરતઃ કોરોના મહામારીના બીજા તબક્કામાં અનેક લોકો રોજે રોજ સંક્રમિત થઈ રહ્યાં છે. ઘરના એક સભ્યને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય અને ઘરના અન્ય સભ્યને કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે હેતુસર સમસ્ત પાટીદાર સમાજ આ કોરોનાની મહામારી સામે લડવા આગળ આવ્યો છે. આ કોરોનાની મહામારીમાં અત્યારે જો સૌથી જરૂરી વ્યવસ્થા હોય તો એ આઇસોલેશન વોર્ડની છે. ત્યારે કોરોના દર્દીને મદદ કરવાના હેતુથી સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા કતારગામ-વેડરોડ મેડીકલ એસોસિએશન ના સહયોગથી ૫૪ બેડનું કોવિડ કેર આઇસોલેશન સેવા સેન્ટર કતારગામ આંબાતલાવડી સ્થિત સમસ્ત પાટીદાર સમાજની વાડીમાં શરૂ કરવામાં આવ્યું છે. સુરત મહાનગર પાલિકાના કમિશ્નર બંછાનિધિ પાની, સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટના પ્રમુખ વેલજીભાઈ શેટા, ઉપપ્રમુખ કાળુભાઈ ભીમનાથ ગોવિંદભાઇ ધોળકિયા, લાલજીભાઈ પટેલ, મથુરભાઈ સવાણી વિ.ની ઉપસ્થિતીમાં ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

જે દર્દીને ડોકટર દ્વારા ઘરે હોમ કવોરેન્ટાઇન થવાની સુચના આપી હોય અને દર્દીને ઘરે અલગ રહેવાની સગવડ ના હોય એવા દર્દીઓ તથા હોસ્પિટલ માંથી રજા લીધા પછી ડોકટરની દેખરેખની જરૂર હોય તેવા દર્દીઓને આ આઇશોલેશન વોર્ડમા પ્રવેશ મેળવી શકશે. આ આઇશોલેશન વોર્ડમાં દર્દીની તપાસ માટે કન્સલ્ટન્ટ ૧૫ ડોકટરની ટીમ તેમજ વિઝીટર ૧૫ ડોકટરો સાથે કુલ ૩૦ તજજ્ઞ ડોકટરોની ટીમ સેવા આપી દર્દીઓને દવા પણ પુરી પાડવામાં આવશે. સાથે સાથે સવારનો ચા નાસ્તો, બે ટાઈમ ભોજન, મિનરલ વોટર અને એનર્જી ડ્રિન્ક પણ આપવામાં આવશે. આ તમામ સુવિધાઓ વિના મુલ્યે પૂરી પાડવામાં આવશે.

(4:19 pm IST)