ગુજરાત
News of Wednesday, 21st April 2021

મુંબઇઃ આઇપીએલની મેચમાં સટ્ટો લેવા બદલ ગુજરાતી બુકીની ધરપકડ

મીરા રોડમાં એક ફલેટમાં કિંગ્સ ઇલેવન પંજાબ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ પર ઓનલાઇન સટ્ટો રમાતો હોવાની માહિતી પોલીસને મળતાં કાર્યવાહી કરી

મુંબઇ, તા.૨૧: આઇપીએલની મેચ ચાલી રહી છે ત્યારે કોરોનાની મહામારી હોવા છતાં કેટલાક લોકો દ્વારા સટ્ટો રમાડાઈ રહ્યો છે. મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસના મીરા રોડ વિભાગની ટીમને મળેલી માહિતીના આધારે મીરા રોડના એક ફ્લઙ્ખટમાં રેઇડ પાડીને ઓનલાઇન સટ્ટો લેતા એક બુકીની સોમવારે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી.

આરોપી પાસેથી ૯૫,૦૦૦ રૂપિયાની કેશ ઉપરાંત લેપટોપ, મોબાઇલ વગેરે પોલીસે જપ્ત કર્યાં હતા. બોરીવલીનો આરોપી મીરા રોડમાં ફ્લેટ ભાડેથી રાખીને સટ્ટો લેતો હોવાનું પોલીસની તપાસમાં જણાયું છે.

ડીસીપી ઝોન-૧ની ટીમે આ કાર્યવાહી કરી હતી. તેમને માહિતી મળી હતી કે મીરા રોડ (ઈસ્ટ)માં પ્રેમનગર વિસ્તારમાં આવેલા આકાંક્ષા નામના બિલ્ડિંગના સાતમા માળના એક ફ્લેટમાં આઇપીએલ ટુર્નામેન્ટની સોમવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં કિંગ્સ ઇલેવન પંજાબ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ રહેલી મઙ્ખચ પર કેટલાક લોકો ઓનલાઇન સટ્ટો લઈ રહ્યા છે. આથી પોલીસની ટીમે અહીં રેઇડ પાડીને કાર્યવાહી કરી હતી. પોલીસે ૪૦ વર્ષના જતીન ચોકસી નામના બુકીને ટી૨૦ મેચ પર ઓનલાઇન સટ્ટો લેવાના આરોપસર ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો હતો.

ડીસીપી અમિત કાળેએ કહ્યું હતું કે 'આરોપી જતીન ચોકસી પોતાના મોબાઇલ અને લેપટોપમાં ઇન્સ્ટોલ કરેલી એક એપના માધ્યમથી ક્રિકેટની મેચ પર સટ્ટો લેતો હતો. તેની પાસેથી લેપટોપ, મોબાઇલ ફોન અને ૯૫,૦૦૦ રૂપિયા કેશની સાથે સટ્ટો રમતા લોકોના અકાઉન્ટની નોંધ સાથેની એક ડાયરી જપ્ત કરાઈ હતી. આરોપી સામે ઇન્ડિયન ટેલિગ્રાફ એકટ અને મહારાષ્ટ્ર પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ એકટ હેઠળ કાશીમીરા પોલીસ-સ્ટેશનમાં ગુનો નોંધીને ધરપકડ કરાઈ હતી. આરોપી બોરીવલીમાં રહેતો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે.

ડીસીપી અમિત કાળેએ આરોપી બુકીની મોડસ ઓપરેન્ડી વિશે કહ્યું હતું કે 'સોશ્યલ મીડિયાના માધ્યમથી આરોપી સટ્ટો રમતા લોકો સાથે વાતચીત કરતો હતો. તેની પાસેથી અનેક મોબાઇલ નંબર મળી આવ્યા છે જેની તપાસ હાથ ધરાઈ છે. પોલીસની નજરથી બચવા માટે બુકીઓ ટેકનોલોજીનો ઉપયોગ કરવા લાગ્યા છે. તેઓ મોબાઇલ એપ્લિકેશન અને વેબસાઇટના માધ્યમથી સટ્ટો લેવાની સાથે રૂપિયાની લેવડદેવડ કરી રહ્યા હોવાનું આ કેસ પરથી જણાઈ આવ્યું છે. આ કામ કરવા માટે કેટલાક બુકીઓ મીરા રોડથી વિરારના વિસ્તારમાં ફ્લેટ ભાડેથી રાખતા હોવાનું પણ જણાયું છે.

હજી ત્રણ દિવસ પહેલાં જ પોલીસે લોઅર પરેલના એક બિલ્ડિંગમાંથી ત્રણ બુકીઓને મેચ પર સટ્ટો લેતા પકડ્યા હતા.

(4:19 pm IST)