ગુજરાત
News of Wednesday, 21st April 2021

લીંબુ, મોસંબી, સંતરાના ભાવમાં બેફામ ઉછાળો

લીંબુના રૂ. ૧૩૦ થી ૧૫૦, મોસંબી - સંતરાનો ભાવ રૂ. ૧૫૦ થી રૂ. ૨૫૦ થઇ ગયો : ગૃહિણીઓમાં દેકારો

અમદાવાદ તા. ૨૧ : રાજયમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોનાની મહામારીમાં ઘરગથ્થુ ઉપચારો અકસીર સાબિત થઈ રહ્યા છે. એમાંય ખાસ કરીને વિટામિન-સી પૂરૃં પાડતાં એવાં લીંબુ, મોસંબી અને સંતરાં સહિતનાં ફ્રૂટ્સની માગમાં જબરદસ્ત વધારો થયો છે. પરિણામે, આ ફળોના ભાવો આસમાને પહોંચી ગયા છે. લીંબુ, મોસંબી, સંતરાંના ભાવો સામાન્ય રીતે પ્રતિકિલોના રૂપિયા ૪૦થી ૮૦ રહેતા હતા. એનો ભાવ હવે ૨૦૦થી ૩૦૦ સુધી થઈ ગયા છે. આ ઉપરાંત એક લીલા નાળિયરના ભાવ રૂપિયા ૮૦ બોલાય રહ્યા છે.

કોરોનાના સંક્રમણનો ભોગ બનેલા લોકો લીંબુ, મોસંબી, અને સંતરા તેમજ લીલી નાળિયેરના ત્રોફા ખરીદી રહ્યા છે. આથી કોરોનાની મહામારીમાં વિટામિન-સીની ઊણપ દૂર કરતા એવાં લીંબુ, મોસંબી અને સંતરાં સહિતનાં ફ્રુટ્સના ભાવોમાં વધારો થઇ ગયો છે. કોરોનાની મહામારીમાં લોકો લીંબુનો રસ, મોસંબીનો રસ અને સંતરાનો રસ, વધુ પ્રમાણમાં પી રહ્યા છે. પરિણામે, આ તમામ ફ્રૂટ્સની માગમાં વધારો થયો છે.

વેપારીએ એસોસિયેશનના અગ્રણીના કહેવા મુજબ ઉનાળામાં લીંબુની માગ રહે છે, જેને કારણે લીંબુના ભાવમાં વધારો થયો છે. ઉનાળામાં લીંબુની આવક ઓછી હોય છે. આ વખતે લીંબુની આવક કરતાં માગ વધુ હોવાને કારણે ભાવ વધી ગયા છે. એ જ રીતે વિટામિન-સીની ઊણપ દૂર કરતાં મોસંબી અને સંતરાંની માગમાં પણ વધારો થયો હોવાથી એના ભાવમાં વધારો થયો છે. સામાન્ય રીતે ઉનાળામાં લીંબુના ભાવ પ્રતિકિલો રૂપિયા ૪૦થી ૫૦ હોય છે. એને બદલે આ વખતે લીંબુના ભાવ પ્રતિકિલો રૂપિયા ૧૩૦થી ૧૫૦ જેટલો થઈ ગયો છે. તે જ રીતે મોસંબી અને સંતરાંનો ભાવ પણ ડબલ થઈ ગયો છે, એટલે કે ૧૫૦થી ૨૫૦માં પ્રતિકિલો વેચાઈ રહ્યાં છે. આ ભાવ આવનારા એક માસ સુધી રહે એવી શકયતાઓ છે.

કોરોનાની મહામારીને કારણે લીંબુ અને સંતરાં જેવાં વિટામિન- સી પૂરું પાડતાં ફળોના ભાવમાં ૫૦ ટકા જેટલો વધારો થયો છે. ઉનાળાની ઋતુમાં લીંબુ, સંતરાં, મોસંબીની આવક ઓછી હોય છે, તેની સામે કોરોનાને કારણે માગમાં વધારો થઈ જતાં ભાવ ડબલ થઇ ગયા છે. આ ભાવવધારો જયાં સુધી લીંબુ, સંતરાં, મોસંબીની આવક વધે નહીં ત્યાં સુધી રહેવાની શકયતાઓ છે. આ ઉપરાંત લીલા નાળિયરના ભાવ પણ ૮૦ રૂપિયા થયા છે. કોરોનાથી બચવા લોકો વધુ રૂપિયા ખર્ચીને પણ વિટામિન-સી યુકત ફળો ખરીદી રહ્યા છે.

હૈદ્રાબાદ - આંધ્રપ્રદેશ અને વિજાપુરથી લીંબુ સુરત આવ્યા નથી

કોરોનામાં વિટામીન-સીના સ્તોત્ર માટે વધારે લીંબુ પાણી પીવા માટે આગ્રહ કરતા હોય છે અને આ વચ્ચે લીંબુની અછત અને જે લીંબુ મળી રહ્યા છે. તેના પણ ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. દર વર્ષે સુરત અને દક્ષિણ ગુજરાતમાં લીંબુ મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, હૈદરાબાદ અને વિજાપુરથી આવતા હોય છે. પરંતુ કોરોના કાળમાં જે રીતે વિટામિન-ઘ્ માટે લીંબુની માગ વધી છે. જેના કારણે હૈદરાબાદ, આંધ્ર પ્રદેશ અને વિજાપુરથી આ વખતે એક પણ લીંબુ સુરત આવ્યા નથી.જેથી સુરતના બજારમાં લીંબુની અછત જોવા મળી રહી છે.

(4:21 pm IST)