સુરતમાં ડિજીજીઆઈની ટીમે સાંજના સુમારે દરોડા પાડી અલગ અલગ બોગસ બિલિંગ કૌભાંડમાં સંડોવાયેલ બે શાકદારોની ધરપકડ કરી
સુરત: શહેરમાં ડીજીજીઆઈની ટીમે આજે મોડી સાંજે કરોડો રૃપિયાના અલગ અલગ બોગસ બીલીંગ કૌભાંડમાં સંડોવાયેલા બે શકદારોની સીજીએસટી એક્ટના ભંગ બદલ ધરપકડ કરી મોડી સાંજે ઈન્ચાર્જ કોર્ટમાં જ્યુડીશ્યલ રિમાન્ડની માંગ કરતાં કોર્ટે બંને શકદારોને લાજપોર સેન્ટ્રલ જેલમાં મોકલવા હુકમ કર્યો છે.
ડીરેકટોરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઈન્ટેલિઝન્સ (ડીજીજીઆઈ)ની ટીમે આજે બોગસ પેઢીઓના નામે બોગસ બીલીંગ ઈસ્યુ કરીને ખોટી રીતે ઈમ્પુટ ટેક્ષ ક્રેડીટ ઉસેટીને પાસઓન કરવાના વધુ બે કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.ડીજીજીઆઈની ટીમે આજે માલની વાસ્તવિક સપ્લાય કર્યા વિના માત્ર કાગળ પર જ ખરીદ વેચાણના બોગસ ઈન્વોઈસ બનાવીને ક્રેડીટ પાસઓન કરવાના અલગ અલગ કેસોમાં બે શકદારોની પ્રિમાઈસીસમાં તપાસ હાથ ધરી હતી.
જે દરમિયાન કુલ 33 જેટલી અસ્તિત્વ ન ધરાવતી બોગસ પેઢીઓના નામે અંદાજે રૃ.50 કરોડના બોગસ બીલીંગ ઈસ્યુ કરીને કરોડો રૃપિયાની ઈમ્પુટ ટેક્ષ ક્રેડીટ ઉસેટવા તથા પાસઓન કરનાર શકદાર અશરફ ઈબ્રાહીમ કાલાવડીયા (રે.ઈ-502,અલ્ટીમેટ,જૈનબ હોસ્પિટલ પાસે રાંદેર)ની પ્રિમાઈસીસની તપાસ હાથ ધરી હતી.