ગુજરાત
News of Wednesday, 21st April 2021

ફ્લેટ ભાડે રાખીને પતિ-પત્ની યુવતી પાસે દેહ વેપાર કરાવતા

હોમગાર્ડ જવાન પણ સંકળાયેલો હતો : છોકરીઓને પ્રલોભન આપી બોલાવતી હતી અને છોકરીઓ જોડે શરીરસુખ માણવા માટે ગ્રાહકોને બોલાવ્યા હતા

બનાસકાંઠા,તા.૨૧ : કોરોના મહામારી વચ્ચે બનાસકાંઠાના ડીસામાં આવેલા એક ફ્લેટમાંથી કુટણખાનું ઝડપાયું છે. આ કૂટણખાનું ચલાવતા પતિ-પત્ની અને એક હોમગાર્ડ સહિત કુલ ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે. જે મામલે ડીસા દક્ષિણ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે . બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી દેહ વિક્રયની બદી ખૂબ જ ફૂલીફાલી છે. જે અંતર્ગત ડીસાના લાટી બજાર વિસ્તારમાં પણ આ પ્રવૃત્તિ ઘણા સમયથી ચાલી રહી હોવાની માહિતી મળતા જ ડીસા વિભાગના ડીવાયએસપી ડો. કુષલ ઓઝા અને ડીસા દક્ષિણ પોલીસની ટીમે મહાલક્ષ્મી ફ્લેટમાં દરોડા પાડયા હતા. જ્યાં એક પતિ-પત્ની અહીં ભાડેથી ફ્લેટ રાખીને કૂટણખાનું ચલાવતા હોવાનું માલુમ પડ્યું હતું.

                  ફ્લેટમાં રેડ કરતા જ આ પતિ-પત્ની બહારથી છોકરીઓને પ્રલોભન આપી બોલાવતી હતી અને આ છોકરીઓ જોડે શરીરસુખ માણવા માટે ગ્રાહકોને બોલાવ્યા હતા. ૫૦૦ રૂપિયામાં છોકરીઓના દેહ વેપાર કરાવતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. પોલીસે વધુ તપાસ કરતા ફ્લેટમાંથી એક હોમગાર્ડ પણ દેહવ્યાપારના ધંધા સાથે સંકળાયેલો ઝડપાયો હતો. જેથી પોલીસે આ કુંટણખાનું ચલાવતા અને તેની સાથે સંકળાયેલા પતિ, પત્ની, એક હોમગાર્ડ સહિત કુલ ચાર લોકોની અટકાયત કરી છે. જેઓની પાસેથી કોન્ડોમ, મોબાઈલ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. જ્યારે આરોપીઓ સામે ઇમમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી દેહવિક્રયની પ્રવૃત્તિ ખૂબ જ વધી ગઈ છે અને છેલ્લા એક વર્ષની અંદર બનાસકાંઠા જિલ્લામાંથી ચોથીવાર કુટણખાનું ઝડપાયું હોવાની ઘટના સામે આવી છે. જે મામલે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.

(8:41 pm IST)