ગુજરાત
News of Wednesday, 21st April 2021

ડ્રાઇવ થ્રુ RT-PCR બાદ હવે અમદાવાદ સિવિલમાં ટ્રીટમેન્ટ ઓન વ્હીલ્સ પણ શરૂ

કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સમાં રાહ જોઇ રહેલા દર્દીની પ્રાથમિક સારવાર

અમદાવાદ :કોવિડ 19ની પ્રક્રિયા હાથ ધરવાના કારણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની મસમોટી લાઇનો સર્જાતી હતી. જેના કારણે દર્દીઓને સારવાર વિના કલાકો સુધી એમ્બ્યુલન્સમાં જ રહેવું પડતું હતું. પરિણામે દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડતી હતી. આ બાબતને નજર સમક્ષ રાખીને અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝીગ્નેટેડ 1200 બેડ હોસ્પિટલમાં આવતા દર્દીઓને સત્વરે સારવાર મળી રહે તે માટે તંત્ર દ્વારા સુદ્રઢ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

સિવિલ હોસ્પિટલ દ્વારા એમ્બ્યુલન્સમાં રાહ જોઇ રહેલા દર્દીઓ માટે પણ “ ટ્રીટમેન્ટ ઓન વ્હીલ્સ” નો અભિગમ અપનાવીને એમ્બ્યુલન્સમાં જ પ્રાથમિક સારવાર આપવાનો સિવિલ હોસ્પિટલ સુપ્રિટન્ડન્ટ ડૉ. જે.વી.મોદી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. ડ્રાઇવ થ્રુ RT-PCR બાદ હવે ટ્રીટમેન્ટ ઓન વ્હીલ્સ પણ શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ., સી.એમ.ઓ. જુનિયર ડૉક્ટર એસોસીએશનના તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ આ સુદ્રઢ આયોજનમાં મહત્વની કડી બન્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેડીકેટેડ 1200 બેડ હોસ્પિટલના નર્સ દિપાલી જાદવ કહે છે કે, હું ઓ.એસ. સ્ટાફ તરીકે 1200 બેડ હોસ્પિટલમાં ફરજ બજાવી રહી છું. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇને મને કોરોનાગ્રસ્ત દર્દીઓની સ્વાસ્થ્ય લગતી પ્રાથમિક સારવાર આપવાની જવાબદારી સોંપવામાં આવી છે. દર્દીને ડીહાઇડ્રેશન ન થાય તે માટેની તમામ તકેદારી રાખવામાં આવે છે. દર્દીને જરૂરિયાતને અનુલક્ષીને વિવિધ ઇન્જેકશન અને એન્ટીબાયોટીક આપી સારવાર હાથ ધરવામાં આવે છે.

જુનિયર ડૉક્ટર એસોસીએશનના તબીબ ડૉ. યોગેશ મોરી કહે છે કે 1200 બેડ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ આવે અને કોરોનાના બેડ ઉપલબ્ધ ન હોય ત્યાં સુધી દર્દીને પ્રાથમિક સારવાર એમ્બ્યુલન્સમાં આપવાની કામગીરી અમારા તબીબો દ્વારા હાથ ધરવામાં આવી છે. એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સપોર્ટ ઉપર રહેલા દર્દીને ઓક્સિજનની વધુ જરૂરિયાત જણાઇ આવતા તાકીદે તે પણ સંતોષવામાં આવે છે.

સિવિલ હોસ્પિટલ સુપ્રિટન્ડન્ટ ડૉ. જે.વી. મોદી કહે છે કે, કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં વાયરસ વધુ ધાતક બન્યો છે ત્યારે દર્દીઓમાં ઓક્સિજનની જરૂરિયાત વધી છે. સિવિલ હોસ્પિટલની કોવિડ ડેઝીગ્નેટેડ 1200 બેડ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો જોવા મળે છે ત્યારે હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને હાલાકી ભોગવવી ન પડે તે માટે ઉક્ત નિર્ણય કરવામાં આવ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, એમ્બ્યુલન્સમાં રહેલા દર્દીને શારિરિક સ્થિતિની ગંભીરતા પ્રમાણે “લાઇન ઓફ ટ્રીટમેન્ટ” નક્કી કરવામાં આવે છે. દર્દીને ટ્રાયેજથી લઇ વોર્ડમાં સારવાર અર્થે મોકલવા સુધીની તમામ પ્રક્રિયા સરળ બની રહે તે માટેનું સુદ્રઢ આયોજન સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.

(11:31 pm IST)