ગુજરાત
News of Tuesday, 21st June 2022

રાજપીપળા બેંક ઓફ બરોડામા આવતા વિકલાંગ ગ્રાહકોને ભારે હાલાકી

ફૂલવાડી ગામના વિકલાંગ રમેશભાઈ ચંદુભાઈ તડવી ચાલી શકવામાં અસમર્થ હોઈ રોડ ઉપરથી ધસડાઈને બેન્કના પગથિયાં સુધી આવતા ભારે હેરાન થયાં:બેંક મેનેજરને અગાઉ વિકલાંગો માટે કોઈ વિશેષ સુવિધા છે? તેમ પૂછતાં બેંક ની બહાર કોણ છે એનાથી મારે કોઈ લેવાદેવા નથી તેમ ઉડાઉ જવાબ આપ્યો હતો.

( ભરત શાહ દ્વારા ) રાજપીપળા : રાજપીપળાની બેંક ઓફ બરોડામાં પૈસા ઉપાડવા આવેલા નાંદોદ તાલુકાના ફુલવાડી ગામ ના રમેશભાઈ ચંદુભાઈ તડવી વિકલાંગ હોય ને બેંકમાં આવવા માટે રોડ ઉપરથી ઘસડાઈને બેંક ના પગથીયા સુધી મહામુસીબતે આવ્યા હતા, સ્ટેશન રોડ ઉપર આવેલી બેંક ઓફ બરોડામાં અશક્ત અને વિકલાંગ ગ્રાહકો માટે કોઈપણ જાતની વિશેષ સુવિધાનું આયોજન નથી.
500-1000 જેવી નજીવી રકમ ઉપાડવા માટે ગામડાઓ માંથી આવતા ગ્રામીણ ખાતેદારો કલાકો સુધી તાપ મા બેંક ની બહાર શેકાયા કરે એવા દ્રશ્યો રાજપીપળા મા સામન્ય રીતે જોઈ શકાય છે. ગ્રાહકો પાસે થી સેવા શુલ્ક ના નામે નાણાં ખંખેરવા નો એક પણ મોકો ના છોડતી બેંકો તેમના ગ્રાહકો માટે કેટલી સુવિધા આપે છે?? એ જોઈ શકાય તેમ છે. મળતી માહિતી મુજબ બેંક ઓફ બરોડા એ તેના ગત નાણાંકીય વર્ષ મા 7 હજાર કરોડ કરતા વધુ નો નફો નોંધાવ્યો છે. તો પછી ગ્રાહકો ને સુવિધા ના નામે મીંડું કેમ?
અગાઉ આજ મુદ્દે રાજપીપળા ની સ્ટેશન રોડ ઉપર આવેલી બેંક ઓફ બરોડા ના મેનેજર ને પૂછતાં તેમણે ઉદ્ધત વર્તન કરી તમે શું બધાં નો ઠેકો લીધો છે? બેંક ની બહાર કોણ બેઠું છે એનાથી મારે કોઈ લેવા દેવા નથી તેમ કહી પોતાની જવાબદારી માંથી હાથ ખંખેરી નાંખ્યા હતા. તો શું ખરેખર બેંક મા આવતા વિકલાંગ ગ્રાહકો માટે વહીલચેર જેવી કોઈ સુવિધા રાખવા ની જવાબદારી બેંક ની નથી આવતી?? કે પછી બ્રાન્ચ મેનજર ખોટું બોલી રહ્યા છે? લાગતા વળગતા અધિકારી આ માટે યોગ્ય પગલાં લઈ બેંક માં આવતા વિકલાંગ અને સિનિયર સિટીઝન માટે સુવિધા ઉપલબ્ધ કરાવે તેવી માંગ છે

(11:01 pm IST)