ગુજરાત
News of Wednesday, 21st July 2021

DPS ઇસ્ટ સ્કૂલને બંધ કરવા નોટિસ ફટકારાઇ : મંજૂરી નહીં હોવા છતાં શરૂ કરી દીધાનું ખુલ્યું

સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની અન્ય નજીકની સ્કૂલમાં સમાવવા માટેની કાર્યવાહી કરાશે.

અમદાવાદ : DPS ઈસ્ટ સ્કૂલમાં તપાસ માટે ગયેલી ડીઈઓની ટીમ દ્વારા સ્કૂલ બંધ કરવાની નોટીસ આપી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સ્કૂલ પાસે ગુજરાતના શિક્ષણ વિભાગની મંજુરી હાલમાં નથી. ઉપરાંત સીબીએસઈ બોર્ડ દ્વારા પણ સ્કૂલને 31 માર્ચ, 2021 સુધીમાં ગુજરાત સરકારનું એનઓસી મેળવી જમા કરાવવા માટેનો સમય આપ્યો હતો. પરંતુ સ્કૂલ દ્વારા આ સમયમર્યાદામાં એનઓસી જમા ન કરાવતા ડીઈઓની ટીમ દ્વારા સ્કૂલને બંધ કરવા માટે નોટીસ ફટકારી હોવાની માહિતી મળી છે. સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની અન્ય નજીકની સ્કૂલમાં સમાવવા માટેની કાર્યવાહી કરાશે.

આધારભૂત વર્તુળમાંથી જાણવા મળ્યા મુજબ, DPS ઈસ્ટ સ્કૂલનો વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. સ્કૂલ તરફથી મંજુરી માટેના પ્રયાસો કરવામાં આવ્યા બાદ પણ હજુ સુધી સ્કૂલને મંજુરી મળી ન હોવાનું જાણવા મળે છે. બીજી બાજુ સ્કૂલ દ્વારા નવા પ્રવેશ આપવામાં આવ્યા હોવાના મુદ્દે તથા સ્કૂલમાં મંજુરી વગર શિક્ષણ કરાવવામાં આવતું હોવાના મુદ્દે ફરિયાદ મળ્યા બાદ ડીઈઓની ટીમ તપાસ માટે સ્કૂલ પર ગઈ હતી. જ્યાં સ્કૂલ તરફથી ટીમને નવા પ્રવેશ કરવામાં આવ્યા ન હોવાના ડોક્યુમેન્ટ બતાવવામાં આવ્યા હતા.

સ્કૂલનો આ મુદ્દે અગાઉ હાઈકોર્ટમાં પણ ગયો હતો. જેમાં 23 માર્ચ, 2020ના રોજ હાઈકોર્ટે હુકમ કર્યો હતો કે, સીબીએસઈ અને રાજ્ય સરકારે કાયદા મુજબ 16 સપ્તાહમાં શાળાના જોડાણ અને માન્યતા આપવા અંગે નિર્ણય લેવો. આ હુકમ બાદ અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીમાં મંજુરી માટે સ્કૂલ દ્વારા અરજી કરવામાં આવી હતી. પરંતુ સ્કૂલને મંજુરી મળી ન હતી. જેથી આ નિર્ણય સામે સ્કૂલ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીમાં અપીલમાં ગયા હતા. જે મામલે હજુ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી

 

બીજી બાજુ સીબીએસઈએ તેનું જોડાણ ચાલુ રાખવાની શરતી મંજુરી આપતા જણાવ્યું હતું કે, 31 માર્ચ, 2021 સુધીમાં શિક્ષણ વિભાગનું એનઓસી અને માન્યતા પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. જોકે, સ્કૂલ દ્વારા 31 માર્ચ, 2021 સુધીમાં સીબીએસઈ બોર્ડ સમક્ષ વિભાગનુ એનઓસી જમા કરાવ્યું ન હતું. ઉપરાંત શિક્ષણ બોર્ડ સમક્ષ મંજુરી માટે કરેલી દરખાસ્ત પણ મંજુર કરવામાં આવી ન હતી. આમ, ચારેય તરફથી સ્કૂલની પીછેહઠ થયા બાદ સ્કૂલ દ્વારા સીબીએસઈ સમક્ષ મુદ્દત લંબાવવા માટે સ્કૂલ દ્વારા મંજુરી માંગવામાં આવી હતી. પરંતુ સ્કૂલને મુદ્દત લંબાવી આપવા માટે કોઈ પત્ર આપ્યો ન હોવાનું જાણવા મળે છે.

આમ, સ્કૂલ દ્વારા નિયત સમયમાં ગુજરાત સરકારનુ એનઓસી મેળવ્યું ન હોવાનું સામે આવતા તપાસ માટે ગયેલી ટીમ દ્વારા સ્કૂલને બંધ કરવા માટે નોટીસ ફટકારી હોવાનું જાણવા મળે છે. સ્કૂલમાં અત્યારે ધોરણ-1થી 12માં અંદાજે 700થી 800 જેટલા બાળકો અભ્યાસ કરે છે. પરંતુ આ બાળકોના પ્રવેશની સમસ્યા ન સર્જાય તે માટે બાળકોના વાલીઓ પોતાની રીતે નજીકની સ્કૂલમાં પ્રવેશ મેળવી શકશે. પરંતુ જો વાલીઓને પ્રવેશ મેળવવામાં મુશ્કેલી આવશે તો ડીઈઓની ટીમ દ્વારા તેમને પ્રવેશમાં મદદ કરવામાં આવશે.

(10:22 pm IST)