૭મા પગાર પંચ મુજબ નિવૃત અધ્યાપકોનું પેન્શનનું પુનઃ નિર્માણ કરવા રાજ્ય સરકારનો હુકમ
રાજ્ય સરકારના હુકમથી ૩૫૦૦ અધ્યાપકોના પેન્શનમાં ૬ થી ૭ હજારનો માસિક વધારો થશેઃ પી.સી. બારોટ

રાજકોટ, તા. ૨૧ :. ૭માં પગાર પંચ મુજબ નિવૃત અધ્યાપકોનું પેન્શનનું પુનઃ નિર્માણ કરવા રાજ્ય સરકારનો હુકમ થયો છે.
અધ્યાપક નેતા પ્રો. પી.સી. બારોટે એક યાદીમાં જણાવ્યુ છે કે તા. ૧-૧-૨૦૦૬ પહેલા નિવૃત થયેલા અધ્યાપકોને ૬ઠ્ઠા પગારપંચનો લાભ મળે તે માટે, રાજકોટના અધ્યાપકોએ પ્રથમ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જીત મેળવી પછી સુપ્રીમ કોર્ટમાં પણ જીત મેળવી હતી આથી રાજ્ય સરકારે ૬ઠ્ઠા પગારપંચનો લાભ આપ્યો હતો.
૭મા પગારપંચની ભલામણોનો લાભ ઉપરોકત અધ્યાપકોને સ્વયમેવ જ મળતો હતો, છતાં પણ રાજ્ય સરકારે આ લાભથી અધ્યાપકોને વંચિત રાખ્યા હતા. આથી ફરીવાર રાજકોટના અધ્યાપકોએ નામદાર હાઈકોર્ટમાં રીટ પીટીશન કરી હતી. નામદાર હાઈકોર્ટે આ પીટીશન સ્વીકારી રાજ્ય સરકારને તાકિદ જવાબ આપવા હુકમ કર્યો હતો.
પી.બી. બારોટની યાદીમાં જણાવેલ છે કે નામદાર હાઈકોર્ટની નોટીસને ધ્યાને લઈ રાજય સરકારે હકારાત્મક અભિગમ અપનાવી ઉપરોકત તમામ અધ્યાપકોને મળતુ પેન્શન, ૭મા પગારપંચની ભલામણો મુજબ પુનઃ નિર્ધારણ કરી તત્કાલ ચૂકવણી કરી દેવા હુકમ કર્યો છે.
રાજ્ય સરકારના આ હુકમથી ગુજરાતના ૩૫૦૦ અધ્યાપકોના પેન્શનમાં ૬ થી ૭ હજારનો માસિક વધારો થશે તથા ૪ થી ૫ લાખ કે તેથી વધુ રકમનું એરીયર્સ મળશે. અધ્યાપક પેન્શનર્સ સમાજ રાજકોટ વતી પી.સી. બારોટ, વી.યુ. રાયચુરા તથા પી.જી. પટેલ વગેરે નામદાર હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.