ગુજરાત
News of Wednesday, 21st July 2021

સનદી અધિકારી તરીકેની વ્યસ્તતા વચ્ચે પણ ડો. જયંતિ રવિએ જીવનના અનુભવોને શબ્દસ્થ કરીને પ્રેરણાદાયી કાર્ય કર્યું છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

ગુજરાતના સિનિયર સનદી અધિકારી ડૉ. જયંતિ રવિ લિખિત પુસ્તક 'સિલ્વર ટ્રી : લાઇફ'નું વિમોચન કરતા રાજ્યપાલશ્રી

  રાજકોટઃ ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે સિનિયર સનદી અધિકારીશ્રી ડૉ. જયંતિ રવિ લિખિત પુસ્તક 'સિલ્વર ટ્રી  લાઇફ'નું વિમોચન કરતાં જણાવ્યું હતું કે, સનદી અધિકારી તરીકેની વ્યસ્તતા વચ્ચે પણ ડૉ. જયંતિ રવિએ જીવનના અનુભવોને શબ્દસ્થ કર્યા છે, જે વાચકો માટે નવી પ્રેરણારૂપ બનશે.

  રાજ્યપાલશ્રીએ સિલ્વર ટ્રી : લાઈફ પુસ્તકનું વિમોચન કરતાં જણાવ્યું હતું કે, પરિવારના સંસ્કારોને કારણે ડૉ. જયંતિ રવિના વ્યકિતત્વમાં કલા, સંસ્કૃતિ, સંગીત, સાહિત્ય અને પ્રશાસનનો સમન્વય નજરે પડે છે. જીવનમાં નિરસતા નહીં, પરંતુ ઉલ્લાસ-હર્ષ તેમની કાર્યશૈલીનું જમા પાસું છે, તેમ પણ તેમણે જણાવ્યું હતું.

  આ પ્રસંગે ઉપસ્થિત રહેલાં જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત સાહિત્યકાર ડૉ. રઘુવીર ચૌધરીએ જણાવ્યું હતું કે, ૅસિલ્વર ટ્રી લાઈફૅ પુસ્તકમાં માનવીય સંવેદનાનું વ્યાપક વિહંગાવલોકન પ્રસ્તુત કરાયું છે, તેમણે ડૉ. જયંતિ રવિના વિવિધ વિષયો અને શાસ્ત્રોના અધ્યયન અને સંગીત પ્રિયતાની પણ નોંધ લીધી હતી. સેવા સંસ્થાના સંસ્થાપક અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રીમતી ઇલાબેન ભટ્ટે ડૉ. જયંતિ રવિને અભિનંદન પાઠવી સમયની વ્યસ્તતા વચ્ચે પણ ગુજરાતના સામાજિક દર્શનને રજૂ કરવાના પ્રયાસને બિરદાવી અન્ય અધિકારીઓ પણ પોતાના અનુભવો રજૂ કરે, તેવી આશા સેવી હતી. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા પ્રકાશિત આ પુસ્તક વિમોચન પ્રસંગે શ્રી કાર્તિકેય સારાભાઈ સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

(3:38 pm IST)