ગુજરાત
News of Wednesday, 21st July 2021

કરાર આધારિત ૩૨૨ આરોગ્ય કર્મચારીઓની કાનૂની જીત : કાયમી નોકરી ગણતો સરકારી હુકમ

સરકારી તંત્રએ જે તે સમયે સમયસર છુટ્ટા ન કરતા અધિકાર સ્થાપિત : સદરહું તમામ કર્મચારીઓએ નિયત પરીક્ષા પાસ કરવી પડશે : પંચાયત : વિભાગના અધિક સચિવ જયદીપ દ્વિવેદી દ્વારા વિગતવાર પરિપત્ર : કરારની મુદ્દત પૂરી થઇ ત્યારે છુટ્ટા ન કરવા બદલ સબંધિત જિલ્લા : પંચાયતોના તે વખતના જવાબદાર અધિકારીઓ સામે તપાસ : નિયમિતનો : લાભ મેળવનારા ૩૨૨માં ૨ રાજકોટ જિલ્લા પંચાયતના કર્મચારીઓ

રાજકોટ તા. ૨૧ : પંચાયત વિભાગ હસ્તકની વિવિધ જિલ્લા પંચાયતોમાં ૧૧ માસના કરાર આધારે માસિક ફીકસ વેતનથી ફરજ બજાવતા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ) એ તેમને નિમણૂકો નિયમિત કરવા અંગે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી કાનૂની લડત કરેલ તેમાં સફળતા મળી છે. ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ મારફતના રાજ્ય સરકાર સામેના કેસમાં ગુજરાત હાઇકોર્ટે તા. ૨૫ જુલાઇ ૨૦૧૮ના રોજ આપેલ ચુકાદાનો અમલ કરવા રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડયો છે.

સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ જે તે વખતે કરારનો સમય પુરો થયા બાદ સરકારે છુટા ન કરતા સરકારે અરજદાર ૩૨૨ કર્મચારીઓને મૂળ નિમણૂકની તારીખથી નિયમિત કરવાની ફરજ પડી છે. કાયદાકીય લડતમાં હાઇકોર્ટ અને સુપ્રીમમાં સરકારના હાથ હેઠા પડયા છે. સબંધિત જિલ્લા પંચાયતોના જે તે વખતના જવાબદાર અધિકારીઓના ખુલાસા પૂછવામાં આવશે. સદરહું કર્મચારીઓને સમયસર છુટ્ટા ન કરવા બદલ સરકારી રાહે તપાસ કરી પગલા ભરવામાં આવે તેવી શકયતા છે.

પંચાયત વિભાગના અધિક સચિવ શ્રી જયદીપ દ્વિવેદીની સહીથી તા. ૧૯ જુલાઇ ૨૦૨૧ના દિવસે પ્રસિધ્ધ કરવામાં આવેલ પરિપત્રમાં સમગ્ર પ્રકરણના કાનૂની તબક્કાઓનો ઉલ્લેખ કરીને હુકમમાં જણાવાયું છે કે, હાઇકોર્ટના ચૂકાદા અન્વયે પીટીશન સબંધિત ૩૨૨ કર્મચારીઓની સેવાને શરતોને આધીન નિયમિત કરવાનો હુકમ કરવામાં આવે છે. સબંધિત ૩૨૨ કર્મચારીઓએ આ સંવર્ગની નિયત સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવાની રહેશે. નિયત પૂર્વ સેવા તાલીમ, તાલીમી પરીક્ષા અને કોમ્પ્યુટર કૌશલ્ય પરીક્ષા પણ પાસ કરવાની રહેશે. પ્રથમ પાંચ વર્ષ ફીકસ પગારમાં અને ત્યારબાદ નિયમિત પગાર ધોરણમાં નિમણૂક થશે. આ ૩૨૨ જગ્યાઓ સીધી ભરતીથી ભરાયેલ ગણાશે. કર્મચારીઓને ચૂકવવાપાત્ર રકમ જે તે પંચાયતે સ્વભંડોળમાંથી ચૂકવવાની રહેશે.

(4:05 pm IST)