ગુજરાત
News of Wednesday, 21st July 2021

શિક્ષણ સમિતિના સભ્યો સીએમ વિજયભાઈ રૂપાણી-મંત્રી ભૂપેન્દ્રસિંહની શુભેચ્છા મુલાકાતેઃ રાજકોટમાં સ્માર્ટ કલાસ-આધુનિક શિક્ષણ પદ્ધતિનો સુદ્રઢ અમલ થશે

રાજકોટઃ. અત્રેની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ગઈકાલે વધુ અભ્યાસ અર્થે અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શાળાની મુલાકાત કરી હતી. ચેરમેન અતુલ પંડિત તથા વાઈસ ચેરપર્સન સંગીતાબેન છાયા સહિત ૧૪ સભ્યોનો પ્રયાસ રહ્યો. આ મુલાકાતનો હેતુ શાળા અને શિક્ષણની ગુણવત્તા વધારી વિદ્યાર્થીઓને વધુ ગુણવત્તાયુકત સગવડ અને સવલત સાથે વધુ સારૂ શિક્ષણ પ્રાપ્ત કરે એ રહ્યો. સ્માર્ટ કલાસ, સુવિધા અને વિવિધતા ભર્યા પ્રયોગો દ્વારા શિક્ષણની ગુણવત્તા વધારી શકાય અને એ કેવી હોવી જોઈએ એ વિષય પર માર્ગદર્શન પ્રાપ્ત થયું. અમદાવાદ શિક્ષણ સમિતિના ચેરમેન ધીરેન્દ્રસિંહ તોમર, શાસનાધિકારી અને નાયબ શાસનાધિકારીનો ખૂબ સારો સહયોગ રહ્યો. અમારા શૈક્ષણિક પ્રવાસને બીરદાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે શિક્ષણના વિકાસ માટે વિવિધ શહેરની શિક્ષણ સમિતિના સહયોગ અને સંકલનથી એકબીજા પુરક બનવા સાથે તંદુરસ્ત પ્રતિસ્પર્ધી પણ બનવુ એ વિકાસની યોગ્ય દિશાની નિશાની છે. આ પ્રવાસ દરમિયાન ગાંધીનગર સ્થિત ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા સ્થપાયેલ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી. વિશ્વમાં કયાંય પણ નથી એ પ્રકારની શિક્ષણની નિરીક્ષણ પદ્ધતિનો હેતુ છે એ જાણમાં આવ્યું શાળા, શિક્ષક, શિક્ષણ અને વિદ્યાર્થીઓના સતત પરીક્ષણના ડેટાના ઉપયોગ થકી મૂલ્યાંકન પદ્ધતિ વિકસાવી શિક્ષણની ગુણવત્તા વધારવાના ગુજરાત સરકારનો પ્રયાસ કાબિલે તારીફ છે. કોરપોરેટ કલ્ચર પણ જ્યાં ઝાંખુ લાગે એવુ સ્થાપત્ય અને કલ્ચર અહીં જોવા મળ્યું. આ પ્રવાસના અંતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની પણ શુભેચ્છા મુલાકાત લઈ અને માર્ગદર્શન પ્રાપ્ત કરાયુ હતું. આવનારા સમયમાં આ અભ્યાસ પ્રવાસ થકી મળે માહિતી અને માર્ગદર્શન દ્વારા રાજકોટની કેટલીક શાળાઓમાં પ્રાયોગીક ફેરફાર હાથ ધરાશે તેમ આ તકે ચેરમેન અતુલ પંડીતે જણાવ્યુ હતું. તસ્વીરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા શિક્ષણમંત્રી ભૂપેેન્દ્રસિંહ ચુડાસમા સાથે શિક્ષણ સમિતિના સભ્યો દર્શાય છે. તેમજ અમદાવાદની સ્માર્ટ સ્કૂલની રૂબરૂ મુલાકાત લઈ માર્ગદર્શન મેળવ્યુ હતુ તે નજરે પડે છે.

(3:55 pm IST)