ગુજરાત
News of Wednesday, 21st July 2021

ખેડા જિલ્લામાં બે અલગ અલગ સ્થળો પર સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ શખ્સોના મોત

ખેડા:જિલ્લામાં આજે બે અલગ અલગ સ્થળો પર ગમ્ખવાર અકસ્માત સર્જાયા હતા.મહેમદાવાદ તાલુકાના નવાશંત્રુડા  પ્રાથમિક શાળા પાસે અને ખેડા તાલુકાના ગાંધીપુરા નજીક આવેલ કંપની પાસે અકસ્માત થયો હતો. બંને અકસ્માતોના બનાવોમાં કુલ ત્રણ વ્યક્તિઓના મૃત્યુ નિપજયા હતા.

મળતી વિગતો અનુસાર મહેમદાવાદ તાલુકાના માંકવા ગામે રહેતા હિંમતસિંહ ડાભીના કાકી કમળાબેન ડાભી ગૌરીવ્રતનુ ખાઉ આપવા માટે નિકળ્યા હતા. આજે બપોરના સમયે એક ગાડી રોડ પર ઉભી હતી અને તે ગાડીનો રીક્ષાના ચાલક ઓવરટેક કરવા જતા સરસવણી તરફથી આવતા એક મોટર સાયકલના ચાલકે રીક્ષાને અડફેટ મારી હતી. જેથી રીક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી. તેમ મોટર સાયકલ ચાલક અને તેની પાછળ બેઠેલ એક મહિલા અને નાનુ બાળક મોટર સાયકલ સાથે ફંગોળાઇને જમીન પર પટકાયા હતા. અકસ્માતના બનાવમાં કમળાબેન ડાભીને માથામાં  અને રમીલાબેન ડાભીને શરીરે ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે મૃત્યુ નિપજયુ હતુ. બનાવ અંગે હિંમતસિંહ રામસિંહ ડાભીએ મહેમદાવાદ પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ખેડા તાલુકાના દલાલટેકરા વિસ્તારમાં રહેતા પંકજભાઇ વાઘેલા અને તેમનો દિકરો પરેશભાઇ મોટર સાયકલ લઇને નાયકા કડીયા કામે ગયા હતા. કામ પૂર્ણ થતા બંને બાપ-દિકરો નાયકા થી ખેજા આવવા નિકળ્યા હતા. તે સમયે ગાંધીપૂરા નજીક પહોચતા સામેથી આવતા એક વાહન ચાલકે પંકજભાઇના મોટર સાયકલને અડફેટ મારી હતી.જેથી બંને વ્યક્તિઓ જમીન પર પટકાયા હતા.જેમાં પરેશભાઇને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચી હતી. પ્રથમ સારવાર ખેડા સિવિલ હોસ્પિટલ અને ત્યાથી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યા પરેશભાઇ સોમવારના રોજ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ હતુ. બનાવ અંગે પંકજભાઇ ભગુભાઇ વાઘેલાએ ખેડા પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે મહેમદાવાદ અને ખેડા પોલીસે ફરિયાદો લઇ ગુનાઓ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

(5:05 pm IST)