ગુજરાત
News of Wednesday, 21st July 2021

અમદાવાદના નવા વાડજમાં આવેલ ઓફિસમાં શેરની લે વેચના બહાને ડબ્બા ટ્રેડિંગ ચલાવતા બે શખ્સોની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી

અમદાવાદ : નવા વાડજમાં આવેલી ઓફિસમાં સ્ટોક એક્સચેન્જના લાયસન્સ વિના શેરની લે વેચના સોદા કરી ડબ્બા ટ્રેડીંગ ચલાવતા બે શખ્સોની ક્રાઈમ બ્રાંચે અટક કરી છે. જ્યારે અન્ય એક ફરાર શખ્સની શોધખોળ હાથ ધરી છે.

ક્રાઈમ બ્રાંચ પોલીસને માહિતી મળી હતી કે નવા વાડજમાં શ્રી રત્ન કોમ્પ્લેક્સમાં સંઘવી એન્ટરપ્રાઈઝ.પ્રા.લી, સંઘવી ફિન કેપ.લી ઓફિસમાં સ્ટોક એક્સચેન્જના લાયસન્સ વિના કેટલાક શખ્સો શેરની લે વેચના સોદા કરી ડબ્બા ડ્રેડીંગ ચલાવે છે. જેને આધારે પોલીસે અહીં દરોડો પાડીને નવરંગપુરામાં રહેતા આશિક ધીરૂભાઈ સંઘવી(36) અને વિવેક અરજણભાઈ ઓડેદરા(24)ની અટક કરી હતી.

તપાસમાં આરોપીઓ મોબાઈલમાં સ્કેલ લાઈવ નામની એપ્લીકેશન દ્વારા શેરની લે વેચનો ધંધો કરી હવાલા દ્વારા સોદાના શેરોના ભાવોની વધઘટથી થતા નફા નુકશાનના હિસાબો કરતા હતા. પુછપરછમાં આરોપીઓએ શેર બજારની આઈ.ડી. રવિ નામના શખ્સે આપી હોવાનું  જણાવતા પોલીસે રવિની શોધખોળ હાથ ધરી છે. આરોપીઓ પાસેથી પોલીસે મોબાઈલ અને ટીવી મળીને કુલ રૂ.45,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

(5:10 pm IST)