ગુજરાત
News of Wednesday, 21st July 2021

છાત્રોએ ચીનની પ્રતિબંધિત એપ્સ ડાઉનલોડ કરવી પડે છે

ચીનની વિવિધ યુનિ.માં અભ્યાસ કરતા છાત્રોને મુશ્કેલી : ચીનની મોટા ભાગની યુનિવર્સિટીઓ વીચેટ, ડિંગટોક, સુપરસ્ટાર અને ટેન્સેન્ટની વિડીયો ચેટ એપનો ઉપયોગ કરે છે

સુરત, તા.૨૧ : કોરોનાના કારણે ચીનની વિવિધ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ૨૩,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ઓન-લાઈન અભ્યાસ કરે છે જેમાંથી ૨૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ચીનની યુનિવર્સિટીઓમાં ભણે છે. હાલમાં તેમનો અભ્યાસ ઓનલાઈન ચાલી રહ્યો છે પરંતુ તેમને એવી એપ્સ ડાઉનલોડ કરવાની ફરજ પાડવામાં આવે છે જેના પર ભારતીય સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

સરહદ પર થયેલા વિવાદ બાદ ભારતે ચીનની ૨૫૦ જેટલી એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. વિદ્યાર્થીઓએ આક્ષેપ મૂક્યો છે કે તેમના કોર્સને ચાલુ રાખવા માટે યુનિવર્સિટીઓ દ્વારા પ્રતિબંધીત મોબાઈલ એપ્સ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવે છે. ચીનની મોટા ભાગની યુનિવર્સિટીઓ વીચેટ, ડિંગટોક, સુપરસ્ટાર અને ટેન્સેન્ટની વિડીયો ચેટ એપનો ઉપયોગ કરે છે. તેઓ વિદ્યાર્થીઓને આવી એપ્સને એક્સેસ કરવાનું અને અભ્યાસ ચાલું રાખવાનું કહે છે.

ઈન્ડિયન સ્ટુડન્ટ્સ ઈન ચાઈના (આઈએસસી)ના સભ્યો એવા વિદ્યાર્થીઓએ ચીન અને ભારત બંને સરકાર સમક્ષ મુદ્દો ઉઠાવ્યો છે. કામચલાઉ ઉકેલ માટે વિદ્યાર્થીઓ વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક (વીપીએન) દ્વારા અભ્યાસ કરી રહ્યા છે.

હાલમાં સૂચોઉ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલા દિલ્હીના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, અગાઉ વીચેટ એપ પર મારા ઓનલાઈન ક્લાસ ચાલતા હતા. પરંતુ ભારતીય સરકારે તેના પર પ્રતિબંધ મૂકી દીધા બાદ મારી યુનિવર્સિટીએ અન્ય એક ચાઈનિઝ એપ ડિંગટોકનો ઉપયોગ કરવાનું રૂ કર્યું હતું. જોકે, તેના પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

વિદ્યાર્થીઓની વાર્ષિક ટ્યુશન ફી ૩થી . લાખ રૂપિયાની વચ્ચે છે. ઉપરાંત ચીન દ્વારા ટ્રાવેલ પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે. વડોદરાની એક વિદ્યાર્થી કે જે આઈએસસીનો નેશનલ કોઓર્ડિનેટર છે તેણે જણાવ્યું હતું કે, નેટવર્ક પ્રોબલેમના કારણે અમે લેક્ચર્સ ભરી શકતા નથી અને હાલમાં પણ મુશ્કેલીઓ પડી રહી છે. ડિસ્ટર્બન્સના કારણે અમે ઘણી વખત પાયાની વિગતો પણ સમજી શકતા નથી.

તાજેતરમાં હરબિન મેડિકલ યુનિવર્સિટીમાંથી એમબીબીએસનું બીજુ વર્ષ પૂરૂ કરનારી જયપુરની એક વિદ્યાર્થિની હાલમાં નેશનલ એક્ઝિટ ટેસ્ટની તૈયારીઓ કરી રહી છે જે વિદેશી વિદ્યાર્થીઓને ભારતમાં પ્રેક્ટિસ કરવા માટે ફરજીયાત છે. તેણે કહ્યું હતું કે, હું નથી જાણતી કે ક્યારે હું મારા નિયમિત ક્લાસ ભરી શકીશ અને ઓનલાઈન ક્લાસમાં પણ અમને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. મારી યુનિવર્સિટી ટેન્સેન્ટ એપ પર ક્લાસ લે છે જેના પર ભારતમાં પ્રતિબંધ છે.

ભારતની વિવિધ સંસ્થાઓએ બંને દેશના સત્તાવાળાઓ સમક્ષ મુદ્દો ઉઠાવ્યો છે. સાઉધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના સભ્ય મનીષ કાપડિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતના વિદ્યાર્થીઓ તરફથી હું અને અન્ય કેટલાક લોકો કેન્દ્ર સરકારના મંત્રીઓ સાથે બેઠક યોજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જેથી કરીને અમે તેમની સમક્ષ વિદ્યાર્થીઓના મુદ્દા અને સમસ્યાઓની ચર્ચા કરી શકીએ.

(7:52 pm IST)