ગુજરાત
News of Wednesday, 21st July 2021

વડોદરામાં એક સાથે 9 બાળકોનું અપહરણ:સમગ્ર શહેરમાં નાકબંધી :ક્રાઇમ બ્રાંચ પણ કામે લાગી

પોલીસ બાળકોને શોધે તે પહેલાં બાળકો વાસણા રોડ ચાર રસ્તાથી ચાલતા ગાય સર્કલ પાસે તેમના પરિવારજનો પાસે આવી ગયા

વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલા ગાય સર્કલ પાસે રમકડાં અને ફૂગ્ગા વેચીને ગુજરાન ચલાવતા બજાણીયા પરિવારોના 9 બાળકોનું રીક્ષામાં અપહરણ થયું હોવાનો ફોન પોલીસ કંટ્રોલ રૂમને મળતાની સાથે જ સમગ્ર પોલીસ તંત્ર દોડતું થયું હતું. બનાવની જાણ થતાં જ પોલીસ દ્વારા સમગ્ર શહેરમાં નાકાબંધી કરી તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો હતો. બાળકોનું અપહરણ થતાં પરિવારજનોએ રોકકડ શરૂ કરી દીધી હતી. જોકે, પોલીસ બાળકોને શોધે તે પહેલાં બાળકો વાસણા રોડ ચાર રસ્તાથી ચાલતા ગાય સર્કલ પાસે તેમના પરિવારજનો પાસે આવી જતાં પોલીસે અને બાળકોના પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો.

વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટપાથ પર અને બ્રિજ નીચે બજાણીયા પરિવારો રહે છે અને બારેમાસ રમકડાં, ફૂગ્ગા જેવી બાળકોને આકર્ષતી ચિજવસ્તુઓનું વેચાણ કરીને ગુજરાન ચલાવે છે. કેટલાક બજાણીયા પરિવારો બગીચાઓ પાસે તો કેટલાક બજાણીયા પરિવારના સભ્યો વિવિધ વિસ્તારોના માર્ગો ઉપર ઉભા રહી રમકડાં અને ફૂગ્ગા વેચી ગુજરાન ચલાવી રહ્યા છે. તેવામાં આજે બપોરે એક રીક્ષા ચાલક 9 બાળકોને રીક્ષા બેસાડીને રવાના થઇ ગયો

આ અંગેની જાણ બજાણીયા પરિવારોને થતાં તુરંત જ તેઓએ પોલીસ કંટ્રોલને જાણ કરતા પોલીસ તંત્રએ દોડધામ કરી મુકી હતી. તે સાથે એસીપી રાજગોર સહિતના અધિકારીઓ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. બીજી બાજુ અકોટા ગાય સર્કલ પાસેની કહેવાતી બાળકોની અપહરણ ઘટનાના પોલીસ કંટ્રોલમાં CCTV ફૂટેજ ઉપર સતત મોનિટરિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું.

(9:35 pm IST)