ગુજરાત
News of Wednesday, 21st July 2021

સરહદી રેન્જના ચારેય જિલ્લામાં બાયોડીઝલ કે બેઝ ઓઈલના કારોબાર પર પોલીસની ધાક બેસાડતી રેન્જ IGની કાર્યવાહી : બે દિવસમાં 50 લાખ જેટલો મુદામાલ જપ્ત કરાયો

ભુજઃ ગુજરાત રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયા દ્વારા સમગ્ર ગુજરાતમાં નકલી બાયોડીઝલનું ગેરકાયદેસર વેચાણ કરતા એકમો અને આ ધંધા સાથે સંકળાયેલા ઇસમો પર કડક કાર્યવાહી કરવા આદેશ અપાયાં છે. ડીજીના આદેશને અનુસરી કચ્છ બોર્ડર રેન્જના આઈજી જે.આર. મોથલીયાએ ચારેય જિલ્લાની પોલીસને સખ્ત કામગીરી કરવા સૂચના આપતાં પોલીસ તૂટી પડી છે.

બોર્ડર રેન્જના ચારેય જિલ્લામાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ પર રોક લગાવવા અલગ-અલગ ટીમો બનાવી, ગેરકાયદેસર રીતે નકલી બાયો ડીઝલ કે બેઝ ઓઇલનું વેચાણ કરતા શખ્સો સામે પોલીસે અભિયાન છેડ્યું છે. પાછલાં માત્ર બે જ દિવસમાં ૫૦ લાખ જેટલો મુદ્દામાલ પકડવામાં આવેલ છે.

રેન્જ સ્તરેથી પશ્ચિમ કચ્છ, પૂર્વ કચ્છ, બનાસકાંઠા અને પાટણ એ ચારે જિલ્લામાં 61 આરોપીઓ સામે 32 ગુના દાખલ કરાઈને કુલ 5 કરોડ 27 લાખ 65 હજાર 230 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

♦પશ્ચિમ કચ્છ ભુજ પોલીસે અત્યારસુધીમાં 25 આરોપીઓ સામે 11 ગુના દાખલ કરી 2 કરોડ 86 લાખ 96 હજાર 436 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે

♦પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસે 14 આરોપી સામે નવ ગુના દાખલ કરી 1 કરોડ 73 લાખ 68 હજાર 344 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે

♦બનાસકાંઠા પોલીસે 16 આરોપી સામે 8 ગુના દાખલ કરી 35 લાખ 25 હજાર 650 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે

♦પાટણ પોલીસે 6 આરોપી સામે 4 ગુના દાખલ કરી 31 લાખ 74 હજાર 800 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે

કંડલા મરીન પોલીસે કોઇપણ પ્રકારના ફાયર સેફ્ટીના સાધનો અને મંજૂરી વગર ગેરકાયદે રીતે વેચાણ અર્થે ટેન્કરમાં ભરાયેલાં 7.15 લાખની કિંમતનું 11 હજાર લિટર બેઝ ઓઈલ જપ્ત કરી કુલ 6 લાખના ટેન્કર (GJ-06 TT-8054), 30 હજારની કિંમતના ડીઝીટલ કાંટા સાથેના નોઝલ (પંપ) મળી કુલ 13 લાખ 45 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ બનાવમાં અંજારના માથકના રહીશ વિશાલભાઇ વજાભાઇ અવાડીયા અને વીરા ગામના અરજણભાઇ ઉર્ફે ઘેલા જીવાભાઇ ચાવડા વિરુધ્ધ આજે આઇપીસી કલમ 285, 114 તેમજ આવશ્યક ચીજ-વસ્તુ ધારાની કલમ 3 અને 7 મુજબ ગુનો દાખલ કરાયો છે. આ ગુનામાં અન્ય આરોપીઓના નામો ખુલવાની શક્યતાઓ છે.

બે દિવસ અગાઉ 19 જૂલાઈના રોજ પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે મધરાત્રે 3 વાગ્યે ભુજ-માધાપર હાઈવે પર દરોડો પાડી બેઝ ઓઈલના થઈ રહેલાં વેચાણનો રંગેહાથ પર્દાફાશ કર્યો હતો. પોલીસે 13 લાખની કિંમતના 20 હજાર લિટર બેઝ ઓઈલ સાથે ટેન્કર, ટ્રેલર, નોઝલ પંપ, બેઝ ઓઈલના વેચાણમાંથી ઉપજેલાં 51 હજાર 800 રૂપિયા, મોબાઈલ ફોન વગેરે મળી 36 લાખ 23 હજાર 557 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ગુનામાં સ્થળ પરથી પોલીસે 5 આરોપીને ઝડપ્યાં હતા. જ્યારે ગુનાનો સૂત્રધાર અને મોટું માથું ગણાતો અલ્પેશ ચંદે પોલીસ ધરપકડથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયો છે.

રેન્જ આઈજી મોથલીયાએ બાયો ડીઝલ, બેઝ ઓઇલ કે અન્ય મિશ્રીત ઓઇલનું ગેરકાયદે વેચાણ, પરિવહન કે સંગ્રહ થતી પ્રવૃત્તિ ધ્યાને આવે તો જનતાને સરહદી રેન્જ, ભુજની કચેરીનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.

(11:49 pm IST)