ગુજરાત
News of Wednesday, 21st July 2021

રાજપીપળા ખાતે UPL કંપનીના વડા ઋષિ પઠાણીયાએ જિલ્લા કલેક્ટર શાહની મુલાકાત લઇ સ્મશાન ગૃહની કામગીરી નિહાળી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : વાપીની UPL કંપનીના CSR વિભાગના વડા ઋષિ પઠાણીયાએ તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર ડી.એ.શાહની રાજપીપલા કલેક્ટરાલય ખાતે શુભેચ્છા મુલાકાત લઇ જિલ્લા પ્રસાશન  દ્વારા રાજપીપલાના સ્મશાન ગૃહમાં જરૂરી રીનોવેશન સાથે ગેસ આધારીત  સગડીની સુવિધા ઉભી કરવા સાથેની  કામગીરી માટે UPL કંપનીના નાણાંકીય  સહયોગ ઉપરાંત વૈષ્ણવ વણિક સમાજના સહયોગ સાથે હાથ ધરાયેલા પ્રોજેક્ટ અંતર્ગત પ્રગતિ હેઠળની કામગીરી સંદર્ભે જરૂરી વિચાર-વિમર્શ કર્યો હતો. આ શુભેચ્છા મુલાકાત બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, વૈષ્ણવ વણિક સમાજના પ્રમુખ તેજશભાઇ ગાંધી સહિત અન્ય હોદ્દેદારો પણ તેમાં જોડાયાં હતાં. બેઠકમાં ચર્ચા દરમિયાન  જિલ્લા કલેક્ટર શાહે સ્મશાન ગૃહ પ્રોજેક્ટની  કામગીરી થી પઠાણીયાને વાકેફ કરી જિલ્લામાં “ નોંધારાનો આધાર પ્રોજેક્ટ “ વિશે પણ તેમણે જાણકારી આપી હતી.
વૈષ્ણવ વણિક સમાજના પ્રમુખ તેજશભાઇ ગાંધીએ જણાવ્યું હતું કે,  રાજપીપલામાં અલગથી  ડેડ બોડી માટે એક પણ સ્મશાન ગૃહ નહોતું. પરંતુ વૈષ્ણવ વણિક સમાજે વિચાર્યું કે અલગથી  સ્મશાન ગૃહ બને તો  રાજપીપલાની જનતાને તેનો લાભ મળે. એટલે અંદાજે  રૂા. ૯૫ લાખના ખર્ચેનો આ પ્રોજેક્ટ છે, જેમાં UPL તરફથી માતબર રકમનું નાણાંકીય યોગદાન મળ્યું છે. જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન થકી અને  UPL  કંપનીના સહયોગ  થકી હાથ ધરાયેલ આ કામ બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
ત્યારબાદ સમાજસેવી  સંસ્થાના સહયોગથી જિલ્લા પ્રશાસન દ્વારા અમલી “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” અંતર્ગત નિરાધાર લાભાર્થી પરિવારને ઋષિ પઠાણીયાએ જીવન જરૂરી  ચીજ-વસ્તુઓના કિટ્સના વિતરણ સાથે સાંજનું ભોજન પીરસ્યું હતું. આ વેળાએ CSR ના મેનેજર એન.એન.ડોડીયા, UPL કંપનીના પ્રોજેક્ટ મેનેજર અવિનાશભાઇ ભંડેરી,તેજશભાઇ ગાંધી સહિત અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

(12:47 am IST)