ગુજરાત
News of Wednesday, 20th October 2021

આ ક્યાંનો ન્યાય : શાળાની નિભાવ ગ્રાન્ટ પર સ્ટે છતાં DEOએ કપાતની શરૂઆત કરી હોવાની રાવ

મંડળ દ્વારા કમિશનર ઓફ સ્કુલની કચેરીને પત્ર લખી રજૂઆત : સુનવણી રાખવા માંગ અન્યથા સંચાલકો આ મુદ્દે હાઈકોર્ટમાં જવા ચીમકી

અમદાવાદ : રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિભાવ ગ્રાન્ટની કપાત પર મનાઇહુકમ આપવામાં આવ્યો હોવા છતાં જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ગ્રાન્ટમાં કપાત શરૂ કરી હોવાનો આક્ષેપ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા કરાયો છે. આ મુદ્દે સંચાલક મંડળ દ્વારા કમિશનર ઓફ સ્કુલની કચેરીને પત્ર લખી રજૂઆત કરી છે. જેમાં સંચાલકોને રજૂઆતને ધ્યાને રાખીને સુનાવણી રાખવા માગણી કરાઈ છે. અન્યથા સંચાલકો આ મુદ્દે હાઈકોર્ટમાં રજૂઆત કરવાની તૈયારી કરશે.

રાજ્યમાં ચાલતી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિભાવ ગ્રાન્ટની વસુલાત સામે રાજ્ય શાળા સંચાલક મહામંડળ ટ્રસ્ટ દ્વારા હાઈકોર્ટમાં સિવિલ એપ્લિકેશન દાખલ કરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટ દ્વારા નિભાવ ગ્રાન્ટની કપાત સામે સ્ટે આપવામાં આવેલો હતો. જેની નોંધ શિક્ષણ વિભાગ અને કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા પરિપત્ર કરીને લેવામાં આવેલી હતી. હાઈકોર્ટના હુકમમાં જણાવાયું હતું કે ગ્રાન્ટ કપાત અંગે અરજદારોને 4 અઠવાડીયામાં રૂબરૂ બોલાવાની આ કેસની પતાવટ કરવી.

જોકે, સંચાલક મંડળને આજદિન સુધી કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા રૂબરૂ સાંભળવામાં આવ્યા ન હોવાનો આક્ષેપ કરતા ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળાઓને નિભાવ ગ્રાન્ટમાંથી કપાત શરૂ કરવામાં આવી છે જે ખુબ જ દુઃખદ બાબત છે. આ અંગે કમિશનર ઓફ સ્કૂલની કચેરીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. જેમાં રજૂઆતને ધ્યાને લઈને યોગ્ય સુનાવણી રાખવા જણાવાયું છે. અન્યથા સંચાલક મંડળ દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત કરવાની ચિમકી ઉચ્ચારી છે.

(12:09 am IST)