ગુજરાત
News of Thursday, 21st October 2021

અઠવાડીયામાં બે દિવસ કેસની સુનાવણી કરવા કલેકટરોને આદેશઃ 'નકારાત્મક' નિકાલ પર પણ સરકાર 'નજર' રાખશે

વિડીયો કોન્ફરન્સમાં એક-એક મુદ્ની છણાવટ કરતા મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી

રાજકોટ તા. ર૧ :.. રાજયના મહેસુલ મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કાર્યભાર સંભાળ્યા બાદ આજે તમામ જિલ્લા કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સથી કામગીરીની સમીક્ષા ચાલી રહી છે. વિવિધ મુદ્ઓના હોમ વર્ક સાથે તેઓ કલેકટરોને માર્ગદર્શન આપી રહ્યા છે અને લોકોને સ્પર્શતા પ્રશ્નોની માહિતી મેળવી રહ્યા છે. દરેક જિલ્લા વહીવટી તંત્રમાં નવુ જોમ લાવવાનો તેમનો પ્રયાસ દેખાય છે.

અપીલના કેસમાં બિનજરૂરી મુદત પાડવાના બદલે શકય તેટલો વહેલો નિકાલ કરવા અને અઠવાડીયામાં બે વખત કેસોની સુનાવણી માટે સમય નકકી કરવા તેમણે સૂચના આપી છે. અમૂક જિલ્લાઓમાં ચોકકસ હેતુથી બિનખેતી સહિતની અરજીઓનો નકારાત્મક નિકાલ થતો હોવાની ફરીયાદોને ગંભીરતાથી લઇ તેમણે જણાવેલ કે નકારાત્મક નિકાલ થયેલા કેસો પર પણ સરકારની નજર રહેશે. જરૂર પડયે આવા કેસોની ફેર તપાસ કરવામાં આવશે. એક વખત દફતરે થયેલા કેસો અમુક સમય પછી કથિત પૂર્તતા સાથે મંજૂર કરવામાં આવે તો તેની પણ તપાસ થઇ શકે છે.

મંત્રીશ્રી ત્રિવેદીએ કલેકટર કચેરીમાં રજૂઆત માટે આવતા મુલાકાતીઓનું માન જાળવવા તેમજ સીટી સર્વેની કામગીરી સરળ બનાવવા સહિતની સૂચના આપી હતી. વિડીયો કોન્ફરન્સ આખો દિવસ ચાલશે.

(3:54 pm IST)