ગુજરાત
News of Thursday, 21st October 2021

રાજ્‍યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્‍તે ટોક્‍યો પેરાઓલિમ્‍પિકમાં સિલ્‍વર મેડલ પ્રાપ્‍ત કરનાર અમદાવાદની ભાવિના પટેલને 3 કરોડનો ચેક અર્પણ કરાયો

આવનારા દિવસોમાં ભાવિના જેવા ખેલાડીઓ તૈયાર થાય અને દેશનું નામ રોશન કરે તે દિશામાં આગળ વધીશુઃ હર્ષ સંઘવી

અમદાવાદઃ અમદાવાદની ભાવિના પટેલે ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરી ગુજરાતની શાન વધારી છે. ટેબલ ટેનિસના મહિલા સિંગલ્સમાં વર્ગ-4 કેટેગરીમાં ભારતને પ્રથમ સિલ્વર મેડલ અપાવ્યો હતો. જેથી રાજય સરકારે તેણીને 3 કરોડના ઈનામની જાહેરાત પણ કરી હતી. જેથી આજે રાજયના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા રુપિયા 3 કરોડનો ચેક આપી સમ્માન કરવામાં આવ્યો હતો.

આજે હર્ષ સંઘવી ભાવિના પટેલના ઘરે પહોંચ્યા હતા. તેઓની સાથે મેયર કિરીટ પરમાર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ હાજર રહ્યા હતા. હર્ષ સંઘવીએ ભાવિના પટેલના ઘરે જઈ શુભેચ્છાઓ આપી હતી અને પેરાઓલિમ્પિક અંગે વાતચીત કરી હતી. ત્યાર બાદ ૩ કરોડની જાહેરાતનો ચેક પણ આપ્યો હતો.

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે ભાવિના પટેલને ઘરે આવ્યો તેનો ખુબ આનંદ છે. રાજ્ય સરકાર વતી ઇનામ નહિ પરંતુ ૩ કરોડનો ચેક ગૌરવના રૂપે આપવામાં આવ્યો છે. આજે ભાવિના પટેલના ઘરેથી કઈક શીખીને જાવ છું. ભાવિના પાસેથી પણ ઘણા સૂચનો મળ્યા છે. અગામી દિવસમાં તે મુદ્દાઓ ચર્ચામાં મુકવામાં આવશે અને આવા અનેક ખેલાડીઓ દેશનું નામ રોશન કરે તે માટે તૈયારી કરાવવામાં આવશે.

મહેસાણા જિલ્લાના સુંઢિયાની યુવતીને બાળપણથી પોલિયોની અસર થતાં તેના બન્ને પગ કામ કરતા બંધ થઈ ગયા હતા. જો કે મક્કમ મન ધરાવતી ભાવિના પટેલે સ્નાતક સુધી અભ્યાસ કર્યો છે. કમ્પ્યુટરનો અભ્યાસ કરવા માટે અંધજનમંડળ, અમદાવાદ ખાતે તેને મૂકવામાં આવી હતી, જ્યાં તેણે ટેબલ ટેનિસ રમતા ખેલાડીઓ જોઇને આ સ્પોર્ટ્સમાં કંઇક કરવાની ઇચ્છા જાગી હતી.

(5:14 pm IST)