ગુજરાત
News of Saturday, 21st November 2020

જીએસટી ઈન્સ્પેકટર ગૌરવ અરોરાને લાંચ કેસમાં 10 દીવસમાં ACBમાં હાજર થવા સુપ્રિમકોર્ટનો આદેશ

વેપારી પાસે ગોડાઉન પરમિશન વગરનું હોવાનું કારણ આપી રૂ.75 હજારની લાંચની માગણી કરી હતી.

અમદાવાદ : સેન્ટ્રલ જીએસટી કચેરી સુરેન્દ્રનગરના જીએસટી ઇન્સ્પેક્ટરે સુપ્રીમ કોર્ટ સુધી રૂ.75 હજારની લાંચ કેસમાં આગોતરા જામીન લેવા પ્રયાસ કર્યા પણ ફાવ્યા ન હતા. સુપ્રીમ કોર્ટએ આરોપી ગૌરવ અરોરાને 10 દીવસમાં ACB સમક્ષ હાજર થવા હુકમ કર્યો છે. આરોપીએ કરીયાણાના વેપારી પાસે ગોડાઉન પરમિશન વગરનું હોવાનું કારણ આપી રૂ.75 હજારની લાંચની માગણી કરી હતી.

બનાવની વિગત મુજબ, સુરેનદ્રનગર જિલ્લાના લીંબડી, ચુડા અને બોરણા ખાતે ફરિયાદીના દીકરાની કરીયાણાની દુકાન આવેલી છે અને બોરણા ખાતે ગોડાઉન માલ રાખવા માટેનું ગોડાઉન આવેલું છે. જીએસટી અધિકારી ગૌરવ સુદર્શનકુમાર અરોરાએ આ દૂકાનો અને ગોડાઉન તપાસ્યા હતા.

ગોડાઉન પરમિશન વગરનું હોવાનું જણાવી આરોપી ગૌરવ અરોરાએ રૂ.5 લાખનો દંડ થશે તેમ જણાવ્યું હતું. બાદમાં કાયદેસર કાર્યવાહી ના કરવા માટે રૂ.75 હજારની લાંચની માગણી કરી હતી. આ અંગે એસીબીમાં ફરિયાદીએ ફરિયાદ કરતા આરોપીઓએ લાંચના છટકામાં ગત તા.7-2-2020ના રોજ લાંચ સ્વીકારી હતી.

આ કેસમાં આગોતરા જામીન લેવા માટે ગૌરવ અરોરાએ સેશન્સ કોર્ટ, હાઈકોર્ટમા આગોતરા જામીન અરજી કરી જે ના મંજુર થઈ હતી. બાદમાં આરોપીએ સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે કોર્ટે ફગાવી દઇ આરોપી ગૌરવ અરોરાને 10 દીવસમાં એસીબી સમક્ષ સરેન્ડર કરવા હુકમ કર્યો છે. આમ 9 મહિના સુધી કાયદાકીય લડત આપનાર ગૌરવ અરોરા ફાવ્યા ન હતા

(8:40 pm IST)