ગુજરાત
News of Saturday, 21st November 2020

ભરૂચનાં કોવિડ વોર્ડમાંથી કોરોના પોઝિટિવ કેદી ફરાર થતા સનસનાટી : પોલીસતંત્રમાં દોડધામ

પોલીસે ચારે દિશામાં તેને શોધવા અંગેની કવાયત શરૂ કરી

ભરૂચ : સિવિલ હોસ્પિટલ ભરૂચનાં કોવિડ વોર્ડમાંથી કોરોના પોઝિટિવ કેદી ફરાર થઈ ગયો હોવાની ઘટના બનતા સનસનાટી ફેલાઈ ગઇ છે. હાલ તો પોલીસ તંત્ર દ્વારા ફરાર કેદીને શોધવાની કવાયત શરૂ કરવામાં આવી છે.

સિવિલ હોસ્પિટલનાં કોવિડ વોર્ડમાંથી ફરાર થયેલ કેદીના બનાવની વિગત જોતા સંતોષ રૂપરામ ચૌધરી (ઉં.વ. 25 )વાહન ચોરી અને અન્ય નાના-મોટા ગુના અંગે સબજેલમાં રાખવામાં આવ્યો હતો. આ કેદીની તપાસ અર્થે તેને લઇ જવાનો હોય તેનો કોરોનાં ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો જે પોઝિટિવ આવતા તેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલનાં કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. કોરોનાં વોર્ડમાંથી રાત્રિનાં સમયે સંતોષ ચૌધરી ફરાર થઈ જતા પોલીસે ચારે દિશામાં તેને શોધવા અંગેની કવાયત શરૂ કરી છે. સબજેલમાં સંતોષ સાથે રહેતા અન્ય સાત કેદીઓના કોરોનાં રિપોર્ટ કરાવવા અંગેની તજવીજ હાથ ધરવામાં આવી છે.

(2:23 pm IST)