ગુજરાત
News of Saturday, 21st November 2020

ફિટ ઇન્ડીયા મુવમેન્ટ તળે ૩૩ જેલના કેદીઓને શારિરિક-માનસીક ચુસ્તતાના પાઠ ભણાવાશે

''ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોજ''નું નરેન્દ્રભાઇ મોદીનું સૂત્ર સાર્થક કરાવાશે : ફિટ ઇન્ડીયા મુવમેન્ટના નોડલ ઓફીસર-કમ- બ્રાન્ડ એમ્બેસેડર અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અર્જુનસિંહ રાણાની દરખાસ્તનો રાજય સરકાર દ્વારા સ્વિકાર

રાજકોટ તા. ર૧ : આવતા દિવસોમાં રાજયની ૩૩ જીલ્લા જેલમાં રહેલા કેદીઓની શારિરિક -માનસીક ચુસ્તતા જળવાય તે માટે ''ફિટ ઇન્ડીયા મુવમેન્ટ'' અંતર્ગત કાર્યક્રમ યોજાશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પ્રેરીત ''ફિટ ઇન્ડીયા મુવમેન્ટ''ના નોડલ ઓફીસર અને સ્વર્ણીમ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અર્જુનસિંહ રાણાએ જેલના કેદીઓની શારિરિક- માનસીક ચુસ્તતા જળવાઇ રહે અને સજા પૂરી કર્યા બાદ તેઓ હકારાત્મક અભિગમ સાથે સામાજીક દાયિત્ય નિભાવી શકે તે માટે રાજયના જેલ સુધારણા અને વહીવટી વિભાગને કરવામાં આવેલી દરખાસ્તનો સ્વિકાર કરવામાં આવ્યો છે.

આવતા દિવસોમાં રાજયની ૩૩ જીલ્લા જેલોમાં સમયાંતરે ''ફિટ ઇન્ડીયા મુવમેન્ટ'' અંતર્ગત નરેન્દ્રભાઇ મોદીએ આપેલા ''ફીટનેસકા ડોઝ આધા ઘંટા રોઝ'' સુત્રને સાર્થક  કરવા સુધારણા કાર્યક્રમ યોજાશે ડો. અર્જુનસિંહ રાણા દ્વારા દિનચર્યામાં શારિરિક કસરતો અને હળવા યોગને સામેલ કરવાની પ્રેકટીકલ તાલીમ આપવામાં આવશે. આ કાર્યક્રમ બાદ દરરોજ તમામ કેદીઓને ૩૦ થી ૪૦ મીનીટ સુધી તાલીમબદ્ધ કરવામાં આવેલા વોર્ડર દ્વારા તાલીમ આપવામાં આવશ.ે

ગત તા.૧૧ ના રોજ આ માટેની દરખાસ્ત ડો. અર્જુનસિંહ રાણા દ્વારા કરવામાં આવી હતી જેનો સ્વિકાર કરતો પત્ર તા.૧૮ મીના જેલ સુધારણા અને વહીવટી વિભાગના અધિકારી શ્રી બી.ડી.રાજપૂત દ્વારા ડો. અર્જુનસિંહ રાણાને પાઠવી 'ફિટ ઇન્ડીયા મુવમેન્ટ' કાર્યક્રમ યોજવા વિધિવત મંજુરી આપવામાં આવી છે. આ કાર્યક્રમોથી મુખ્યમંત્રીશ્રી  રૂપાણીના 'ફીટ ગુજરાત' મિશનને પણ વેગ મળશે

(3:35 pm IST)