ગુજરાત
News of Saturday, 21st November 2020

તમામ પીઆઇઓને સવારે ૯ થી રાતે ૧૨ વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા તાકીદના આદેશો

અમદાવાદનાં પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા પ્રવર્તમાન પરિસ્થિતિ અનુલક્ષી અભૂતપૂર્વ નિર્ણય : મહિનામાં ૨ વખત સરપ્રાઈઝ ચેકીંગ કરવાની જવાબદારી ઉચ્ચ અધિકારીઓને સુપરત : પોલીસ મથકમાં આવવા સાથે તથા પોલીસ મથક છોડતી વખતે પોલીસ કંટ્રોલરૂમને જાણ કરવી ફરજીયાત બનાવી : પોલિસ કમિશનર ઓફિસે અરજદારો ઉભરાતા રહસ્ય ખુલતા સીપી ચોકી ઉઠ્યા : અમદાવાદનો ચેપ ગ્રામ્યમાં ન પ્રસરે તે માટે સાવચેતીના સુરો રેલાયા

રાજકોટ,તા.૨૧ :  ગુજરાતના મહાનગરોમાં અને ખાસ કરીને અમદાવાદમાં કોરોના વિસ્ફોટ થવાના પગલે સોમવાર સુધી સદંતર કરફયુ અંતર્ગત  પોલીસ તંત્ર સજજ થવા સાથે ડીજીપી લેવલ ના અનુભવી પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવ દ્વારા લોકોની કોઈ જાતની મુશ્કેલી ન પડે તે માટે અભૂતપૂર્વ નિર્ણય કરી શહેરના તમામ પોલીસ ઇન્સ્પેકટરને સવારે ૯વાગ્યાથી રાતે ૧૨ વાગ્યા સુધી પોલીસ મથકમાં હાજર રહેવા તથા હાજર થયાની તથા પોલીસ મથક છોડે ત્યારે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવાનો તાકીદ નો આદેશ કરતા પોલીસ બેડામાં ચો તરફ ચર્ચા જાગી છે.

પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ કે જેઓ પોતે પણ ચિકન ગુનિયાના ચક્રવ્યૂહ તોડી અને શ્વાસ લેવામાં તકલીફ પડતા હોસ્પિટલમાં દાખલ થયા બાદ દીપોત્સવી તહવારોના બંદોબસ્ત તથા સ્ટાફ નું મનોબળ વધારવા હોસ્પિટલ થી સીધા ઓફિસ પર પોચેલ તેવા આ સીનીયર આઇપીએસ દ્વારા પોલીસ સ્ટેશન પર પીઆઈ ને હજાર રાખવાનો નિર્ણય ફક્રત કાગળ પર નરહે તે માટે ડીસીપી અને બને એડિશનલ પોલીસ કમિશનરને પણ જવાબદારી સુપરત કરી મહિનામાં ૨ વખત સરપ્રાઈઝ ચેકીંગ કરવાં પણ સૂચના આપી છે.

 પોલીસ તંત્રમાં ચાલતી ચર્ચા મુજબ પોલીસ કમિશનર ઓફિસ પર રાજકોટ પધ્ધતિ મુજબ અરજદારોના ઢગલાં થવા માંડ્યા હતા.

આ રીતે અરજદારોની વધતી જતી સંખ્યાથી ચોંકી ઉઠેલા સંજય શ્રીવાસ્તવ દ્વારા અરજદારોને વિશ્વાસમાં લય પૂછપરછ કરવામાં આવતા કેટલાક અરજદારો દ્વારા પોલીસ મથકોમાં પીઆઇ હાજર  રહી લોકોની ફરિયાદો સાંભળવાને બદલે પોતાના પીએસો તથા રાઈ ટરો ને અરજદારોને સાંભળવાની જવાબદારી આપી દેવામાં આવી હોવાની હકિકત બહાર આવી હતી.

 પોલીસ ઇન્સ્પેકટર દ્વારા રાત્રિ દરમ્યાન પેટ્રોલિંગ કામગીરી બજાવી હોય તો પણ બપોરના ૧૨ વાગ્યા સુધીમાં હાજર થવા આદેશ છોડાયા છે. ટુંકમાં કહીએ તો પ્રવર્તમાન પરિસ્થતિ ધ્યાને લય ૪૮ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટરને મહત્વની જવાબદારી સુપરત કરવા સાથે કોવિડ ૧૯ની અમલવારી કરવા માટે ઉચ્ચ અધિકારીઓ ને પણ મહત્વની જવાબદારી સુપરત કરી છે.  ગ્રામ્યની હદમાં અમદાવાદ ડીડીઓ મહેશ બાબુ દ્વાર ચેક પોસ્ટો પર સતત  આરોગ્યલક્ષી કામગીરી સઘન બનાવવામાં આવી છે.અમદાવાદ જિલ્લા પોલીસ વડા વીરેન્દ્ર યાદવ તથા અમદાવાદ શહેર ની હદ નજીકના જિલ્લાની હદ ધરવતા સાણંદ ડીવાયએસપી કે.ટી. કામરિયા ટીમ પણ આગોતરા સાવચેતીના પગલા ભરી રહ્યા છે.

(4:17 pm IST)