ગુજરાત
News of Friday, 22nd January 2021

BOBના લોકરમાં મુકેલા રૂપિયા ૨ લાખ ઉધઇ ખાઇ ગઇ

બેંક લોકરમાં મુકવામાં આવતા રૂપિયા પણ સલામત નથી, BOBની વડોદરાની બ્રાંચનો બનાવ : બેંક દ્વારા અન્ય લોકરમાં પણ ઉધઇ આવી ગયાની શંકા વ્યકત કરવામાં આવી

વડોદરા, તા.૨૨: બેન્ક ઓફ બરોડાની પ્રતાપનગર વિસ્તારમાં આવેલીબાન્યમાં લોકરરૂમમાં ઉધઇ આવી ગઈ હતી. જેની જાણ બેન્કકર્મચારીઓને જ ન હતી. આજે એક મહિલા ખાતેદાર બેન્કના લોકરમાં મુકેલા રોકડા રૂપિયા લેવા આવ્યા ત્યારે આ વાતનો ખુલાસો થયો હતો. મહિલા ખાતેદારના લોકરમાં મુકેલા રોકડા રૂ. ર લાખથી વધારે ઉધઇ કાતરી ગઇ હોવાનું સામે આવતા હોબાળો મચી ગયો હતો. બેન્ક કર્મચારીઓ દ્વારા અન્ય લોકરમાં પણ ઉધઇ આવી ગયાની શંકા વ્યકત કરવામાં આવી છે.

વડોદરા પ્રતાપનગર વિસ્તારમાં અપ્સરા સ્કાઇલાઈન કોમર્શિયલ કોમ્પલેક્ષ ખાતે બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચ કાર્યરત છે. જે બાન્ચમાં ખાતેદારોને લોકરની સુવિધા પણ આપવામાં આવે છે. બેન્કના એક મહિલા ખાતેદાર દ્વારા તેમના લોકરમાં રૂ. ર લાખથી વધારે રોકડ રકમ મુકવામાં આવી હતી. જેમાં રૂ.૫,૧૦,૧૦૦ અને ૫૦૦ની ચલણી નોટો હતી. મહિલા ખાતેદારને રોકડી જરૂર હોવાથી તેઓ આજે બેન્કમાં લોકરમાંથી રકમ લેવા આવ્યા હતા. લોકર ખોલતાની સાથે જ તેમના હોંશ ઉડી ગયા હતા. લોકરમાં મુકેલી તેમની રૂ.૨લાખથી વધારેની રકમને ઉધઇ કોતરી ગઇ હતી. જે બાબતે મહિલાએ બેન્કના કર્મચારીઓને ફરિયાદ કરતાં તેમણે પણ લોકર રૂમમાં ઉધઈ બાબતે અજાણ હોવાનું જલાવ્યું હતું.(૨૩.૨)

લોકરમાં રોકડ રકમ રાખવી નહીં તેવો નિયમ !

મહિલા ખાતેદાર દ્વારા રૂપિયા ઉધઇ ખાઇ જવા બાબતે બેંક મેનેજરનો લેખીતમાં ફરિયાદ કરવામાં આવી ત્યારે બેંકના જણાવ્યા અનુસાર, બેંક દ્વારા લોકર આપતી વખતે નિયમો પર સહી કરાવવામાં આવે છે. જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હોય છે કે, લોકરમાં રોકડ રકમ રાખવી નહીં. તેમ છતાં મહિલા ખાતેદાર દ્વારા લોકરમાં રોકડ રાખવામાં આવી હતી. ત્યારે તેમનો ઇન્શ્યોરન્સ આપવામાં આવશે કે કેમ તે બાબતે ઉચ્ચ કચેરી દ્વારા નિર્ણય લેવામાં આવશે.

(9:59 am IST)