ગુજરાત
News of Friday, 22nd January 2021

આવતા વર્ષ સુધીમાં દેશના ૧ લાખ રેલ્વે ફાટકોથી મુકતી મળશેઃ અમિતભાઇ

અમદાવાદ ખાતે દેશના સૌ પ્રથમ ફેબ્રીકેટેડ સ્ટીલથી બનેલ બ્રીજનું લોકાર્પણ કરતા ગૃહમંત્રી

અમદાવાદ તા. રરઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇએ જણાવેલ કે વર્ષ ર૦રર સુધીમાં દેશમાં ૧ લાખથી વધુ રેલ્વે ફાટકો હટાવાશે. જેના કારણે કરોડો રૂપિયાનું ઇંધણ અને હજારો માનવ કલાકોની બચત થશે. તેમણે અમદાવાદના થલતેજ શીલજ-રાંચરડા વચ્ચે બનેલ નવનિર્મિત ૪ લેન રેલ્વે ઓવરબ્રીજના ઇ-લોકાર્પણ પ્રસંગે ઉપરોકત વાત જણાવેલ.

અમિતભાઇએ વધુમાં જણાવેલ કે વડાપ્રધાનના નેતૃત્વમાં દેશના બધા ઘરોમાં વિજળી પહોંચી ચૂકી છે. મહિલાઓને ઉજજવલા યોજનાથી ગેસ ઉપલબ્ધ કરાવી ધુમાડાથી મુકત કરાયા છે. દરેક ઘરમાં એક બેંક ખાતું ખુલી ચુકયું છે. ઉપરાંત ર૦રર સુધીમાં દરેક ઘરોમાં નળથી જળ ઉપલબ્ધ થશે. તેમણે જણાવેલ કે ગત ડિસેમ્બરની તુલનાએ અત્યાર સુધીની સૌથી વધુ વિજળીનો વપરાશ થયો છે જે અર્થવ્યવસ્થા પાટા ઉપર આવી રહી હોવાનું જણાવે છે. અમદાવાદના થલતેજ-શીલજ-રાંચરડા વચ્ચેનો રેલ્વે બ્રીજ દેશનો સૌથી પહેલો ફેબ્રીકેટેડ સ્ટીલ બ્રીજ છે. જે ૧૦પ૦ ટન ફેબ્રીકેટેડ સ્ટીલથી બન્યો છે જેનું નિર્માણ રાજયના માર્ગ-મકાન વિભાગ તથા કેન્દ્રના રેલ્વે મંત્રાલય દ્વારા કરાયું છે. આ બ્રીજની ડીઝાઇન એવી છે કે હજારો ટન વાહનોનો ભાર વહન કરી શકે છે.

નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇએ જણાવેલ કે અમદાવાદ દેશમાં ઝડપથી વિકસીત થતું શહેર છે. ૬પ લાખ લોકોને બધી વ્યવસ્થા કરવા રાજય સરકાર કટીબધ્ધ છે. આ બ્રીજથી લોકોનો સમય અને ઇંધણ બચશે. ગાંધીનગર-રાજકોટ છ લેન રોડનું કામ પણ પુરજોશમાં ચાલતું હોવાનું તેમણે ઉમેરેલ.

(11:35 am IST)