ગુજરાત
News of Friday, 22nd January 2021

વડોદરાની મહિલાઍ સ્કુટર લેવા માટે પોતાના ડોક્યુમેન્ટ્સ આપ્યા તો ઍક વર્ષ બાદ લોનના બદલે મેરેજ સર્ટીફિકેટ મળ્યુ

વડોદરા: ગુજરાતના વડોદરા જિલ્લામાંથી એક હાસ્યાસ્પદ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક મહિલાએ સ્કૂટરના ફાઈનાન્સ માટે કેટલાક ડૉક્યુમેન્ટ્સ એક વ્યક્તિને આપ્યા હતા, પરંતુ એક વર્ષ બાદ મહિલાને મોટો આંચકો લાગ્યો છે. મહિલાને જાણ થઈ કે, તેને લોન ડિસ્બર્સલ લેટરની જગ્યાએ એક મેરેજ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. જેમાં સત્તાવાર રીતે વિજય નામના વ્યક્તિ સાથે તેના લગ્નનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વડોદરાની મીના પરમામ નામની યુવતી ટ્રાન્સપોર્ટના ખર્ચમાંથી બચવા માટે સ્કૂટર લેવા ઈચ્છતી હતી. નવેમ્બર 2017માં મીના પરમારની મુલાકાત કરજણના વિજય પરમાર સાથે થઈ હતી. વિજયે મીનાને સ્કૂટર લેવા માટે લોન અપાવવાનું આશ્વાસન આપ્યું હતું.

જો કે વિજય પરમારે મીનાના ઓછું ભણેલા હોવાનો ફાયદો ઉઠાવીને તેની સાથે લગ્નની નોંધણીના ડૉક્યુમેન્ટ પર સહી કરાવીને કહ્યું કે, આ વાહનની લોન માટેની અરજી છે. જો કે મીનાને આ વાતનો ખ્યાલ જ નહતો કે, તેણીએ જે કાગળ પર હસ્તાક્ષર કર્યા છે, તે લગ્નની નોંધણી માટેના હતા. જે બાદ કોર્ટમાં મીનાએ વિજય સાથે તલાક લેવાની અરજી કરી હતી. પોતાની અરજીમાં મીનાએ દાવો કર્યો હતો કે, પોલીસે વિશ્વાસઘાતની FIR પણ દાખલ કરી નહતી.

તાજેતરમાં કોર્ટે મીનાની વિજય સાથેના છૂટાછેડાની અરજી ફગાવતા જણાવ્યું કે, તે સાબિત નથી કરી શકી કે, તેની સાથે વિશ્વાસઘાત થયો છે. આટલું જ નહીં, અરજીમાં છૂટાછેડાનું કારણ પણ હિન્દુ લગ્ન એક્ટ અંતર્ગત નથી આવતું.

(4:42 pm IST)