ગુજરાત
News of Friday, 22nd January 2021

કેશોદ બાદ હવે સુરતની સ્કૂલના ૨ શિક્ષકો અને ૩ વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા વાલીઓમાં ચિંતા

સુરત: કોરોનાના સંકટ વચ્ચે રાજ્ય સરકારે સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે, ત્યારે વિદ્યાર્થીઓમાં સંક્રમણનું જોખમ પણ વધી ગયું છે. કેશોદ બાદ સુરતમાં પણ 2 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વાલીઓમાં ફફડાટ ફેલાયો છે.

કેશોદની શાળામાં વિદ્યાર્થિનીઓના કોરોનાના સંક્રમણ ફેલાતા સુરત મહાનગરપાલિકાએ પણ સુરતની અલગ અલગ સ્કૂલોમાં કોરોના ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરી હતી. સુરત મહાનગરપાલિકાએ સુરતની 97 સ્કૂલમાં કોરોનાના ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં ત્રણ વિદ્યાર્થી અને બે શિક્ષકોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

અગાઉ કેશોદની સ્કૂલમાં વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સુરત મ્યૂન્સિપલ કોર્પોરેશને પણ શહેરની 97 સ્કૂલોમાં કોરોના ટેસ્ટિંગની પ્રક્રિયા હાથ ધરી હતી.

શહેરની 97 સ્કૂલોમાં ધનવંતરી રથ મોકલીને 2320 વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી બે શિક્ષક અને 3 વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

શહેરના રાંદેર વિસ્તારની લોકમાન્ય સ્કૂલના બે શિક્ષકો, વરાછાની શ્રીનચિકેતા સ્કૂલ, કતારગામની સુમન સ્કૂલ નં-3 અને સિંગણપોરની પ્રજ્ઞા સ્કૂલના એક-એક વિદ્યાર્થી કોરોનાથી સંક્રમિત હોવાનો રિપોર્ટ આવ્યો છે. હાલ કોર્પોરેશન દ્વારા તમામ પોઝિટિવના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઈન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ જૂનાગઢ જિલ્લાના કેશોદની એક સ્કૂલમાં એક સાથે 11 વિદ્યાર્થિનીઓ કોરોના સંક્રમિત થતાં ચકચાર મચી હતી.

(4:44 pm IST)