ગુજરાત
News of Friday, 22nd January 2021

વડોદરાના બાપોદ વિસ્તારમાં પોલીસે પ્રોવિઝન સ્ટોરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

વડોદરા:શહેરની બાપોદ પોલીસની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે, આજવા રોડ પર આવેલા દત્ત નગરમાં રહેતો રોશન કલાલે તેના ઘરની સામે આવેલી કાલકા પ્રોવિઝન સ્ટોરમાં વિદેશી દારૂનો જથ્થો સંતાળ્યો છે. જેના આધારે પોલીસે દરોડો પાડી પ્રોવિઝન સ્ટોરમાંથી રોશન ભાણાજી કલાલને ઝડપી પાડયો હતો. તપાસ કરતા સ્ટોરના પાછળના ભાગે આવેલા બાથરૂમમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 7 પેટીઓ મળી આવી હતી. પોલીસે રૂપિયા 42,000ની કિંમતની દારૂની 84 બોટલો, મોબાઈલ ફોન સહિત 42500ની મતા કબજે કરી આરોપીની પ્રોહિબિશનના ગુનામાં અટકાયત કરી હતી.

જ્યારે બીજા બનાવમાં બાપોદ પોલીસ મથકના જવાનોને ચોક્કસ માહિતી મળી હતી કે, મારૂતિ નગરના નાકે જય મામાદેવ પ્રોવિઝન સ્ટોર ધરાવતો વ્યક્તિ વિદેશી દારૂ વેચે છે. જેના આધારે પોલીસે દરોડો પાડી સ્ટોર સંચાલક ચંદ્રેશ ભાવરલાલ કલાલ (રહે- મારૂતિ નગર, સયાજી ટાઉનશીપ રોડ, વડોદરા)ને ઝડપી પાડયો હતો તપાસ કરતાં સ્ટોરના પાછળના ભાગે બાથરૂમમાંથી રૂપિયા 7500ની કિંમત ધરાવતી ભારતીય બનાવટની વિદેશી દારૂની 5 નંગ બોટલ ભરેલો થેલો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂનો જથ્થો, મોબાઈલ ફોન, રોકડા રૂપિયા 1800 સહિત 8300નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

(5:54 pm IST)