ગુજરાત
News of Friday, 22nd January 2021

સુરત:સચિન-કનકપુર રેલવે ગરનાળા નજીક પોલીસે બે પરપ્રાંતીયને દેશી બનાવટના તમંચા સાથે ઝડપી પાડ્યા

સુરત: શહેરના સચિન-કનકપુર રેલવે ગરનાળા નજીકથી બે પરપ્રાંતિયને પોલીસે દેશી બનાવટના તમંચા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક પુછપરછમાં તમંચો વેચવા માટે બિહારથી લાવ્યા હોવાની કબૂલાત કરી છે.
સચિન પોલીસ સ્ટેશનના પો. કો. નિલેશ માયાભાઇને મળેલી બાતમીન આધારે પોલીસ ટીમે સચિન-કનકપુર ગરનાળા નજીક હનુમાન મંદિર રોડ પર શ્રીનાથ આઇસ્ક્રીમ પાસેથી નિલેશ વિજય નાયક (ઉ.વ. 19 રહે. હાલ રૂમ નં. 1, બ્લોક નં. એ 214, તલંગપુરા રોડ, સચિન અને મૂળ આસ્કા ગામ, જિ. ગંજામ, ઓડિશા) અને ગુંજનકુમાર રમાકાંત શર્મા (ઉ.વ. 19 રહે. લક્ષ્મી વીલા, તલંગપુર રોડ, સચિન અને મૂળ ખપુરાગામ, તા. પાલીગંજ, જિ. પટના, બિહાર) ને ઝડપી પાડયા હતા. પોલીસે બંનેની તલાશી લેતા નિલેશના કમરના ભાગે લટકાવેલો દેશી હાથ બનાવટનો તમંચો મળી આવ્યો હતો. પોલીસે બંને વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બંનેની પુછપરછ અંતર્ગત તેઓ કારખાનામાં નોકરી કરે છે પરંતુ હાલમાં તેઓ બંને બેકાર છે. ગુંજનકુમાર લોક્ડાઉન બાદ વતન બિહાર ગયો હતો ત્યારે ત્યાંથી તમંચો વેચવાના ઇરાદે લઇ આવ્યો હતો અને વેચવા માટે ગ્રાહક શોધી રહ્યા હતા. પરંતુ તમંચો વેચે તે પહેલા જ પોલીસના હાથે ઝડપાય ગયા હતા

(5:58 pm IST)