ગુજરાત
News of Thursday, 22nd April 2021

માનવતાનો પોકાર :કોરોના પોઝિટિવ દીકરાને લઈને ' માં ' હોસ્પિટલની બહાર રસ્તા પર બેઠા

માતાએ વારંવાર આજીજી કરી છતાં શારદાબેન હોસ્પિટલના સૂત્રોએ જાણે માનવતા મરી પરવારી હોય તેમ દરવાજા બંધ કરી દીધા

અમદાવાદ : શહેરમાં કોરોનાના કેસોએ ભરડો લીધો છે. હાલની સ્થિતિમાં કોઈને હોસ્પિટલ, બેડ,ઓક્સિજન કે ઇન્જેક્શન માટે સગાએ આમતેમ દોડવું પડી રહ્યું છે. તેમાં પણ સરકારના જડ નિયમોને કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે.

 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એવો નિયમ બનાવવામાં આવ્યો છે કે અન્ય એકમાં પેશન્ટ આવશે તેમને જ દાખલ કરવામાં આવશે. હાલ સ્થિતિ એવી છે કે 108 પર ફોન કર્યાના દસ કલાક સુધી વાન આવતી નથી. જો આવી સ્થિતિમાં કોઇ સ્વજન દર્દીને લઇને હોસ્પિટલ પહોંચી જાય તો પણ હોસ્પિટલ દ્વારા તેમને એડમીટ કરવામાં આવતા નથી.

સરકાર દ્વારા સબ સલામત હોવાનું વારંવાર રાગ આલાપવામાં આવી રહ્યો છે, ત્યારે બીજી તરફ વાસ્તવિકતા ખૂબ જ ભયંકર છે. શારદાબેન હોસ્પિટલનો એક વિડિયો વાઇરલ થયો છે જેમાં એક માતા પોતાના કોરોના પોઝિટિવ દીકરાને લઈને શારદાબેન હોસ્પિટલની બહાર રસ્તા પર બેસી રહી હતી. માતાએ વારંવાર આજીજી કરી તેમ છતાં શારદાબેન હોસ્પિટલના સૂત્રોએ જાણે માનવતા મરી પરવારી હોય તેમ દરવાજા બંધ કરી તમાશો જોતા રહ્યા. જો કે શારદાબેન હોસ્પિટલ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ અંગે કોઈ સ્પષ્ટતા પણ કરવામાં આવી નથી.

આ અંગે ડેપ્યુટી હેલ્થ ઓફિસરે જણાવ્યું કે, દર્દી પાસે કોરોના રિપોર્ટ ન હતા. તેથી તેમને એડમીટ કરવામાં આવ્યા ન હતા.આ ગઈ કાલ રાતનો વીડિયો છે

ડી વાય એમ સી કેતન ઠક્કરએ જણાવ્યું કે, દર્દી પાસે કોરોના પોઝિટિવનો રિપોર્ટ હતો નહિ અને શારદાબેન હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દીઓ માટે વોર્ડ નથી. જેથી ઓન ડ્યુટી દ્વારા દર્દીને સિવિલ હોસ્પિટલ જવા માટે સમજાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ વીડિયો બનાવ્યો અને તરત જ સ્થળ પરથી નીકળી ગયા હતા.

ગુજરાતમાં કોરોના વાયરસના સતત રેકોર્ડ બ્રેક કેસ સામે આવી રહ્યા છે. વધી રહેલા કેસને લઈ તંત્ર હરકતમાં જોવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાએ ગુજરાતને પોતાના સંકજામાં લઈ લીધો છે. ત્યારે આજે છેલ્લા 24 કલાકમાં 13105 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે અને 5010 લોકો સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. જો કે, 137 દર્દીઓના મોત થયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 5877 દર્દીઓના મોત થયા છે અને 4,53,836 લોકો સંક્રમિત થયા છે. રાજયનો રિકવરી રેટ પણ સતત ઘટતો જઈ રહ્યો છે.

રાજયમાં કોરોનાના કેસની સાથે મોતનો આંકડો પણ સતત વધતો જઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં આજે 137 દર્દીઓના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 23 અને સુરતમાં 22 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે

(9:59 pm IST)