ગુજરાત
News of Sunday, 22nd May 2022

ભાજપ જે સ્ટ્રેટજીથી ગુજરાતમાં એકધારી સત્તા ભોગવી રહ્યું તેને આમ આદમી પાર્ટી દ્વારા ફોલો કરે તેવી સંભાવના

ભાજપને તેમના જ હથિયારોથી પરાસ્ત કરવાની રણનીતિ ઘડતું આમ આદમી પાર્ટી : કોંગ્રેસ કરતા આપને વધુ ગંભીરતાથી લેતું ભાજપ

અમદાવાદ :  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી(આપ)એ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ 27 વર્ષથી ગુજરાતમાં ભાજપની એકધારી સત્તા છે, કોંગ્રેસ અનેક પ્રયાસો છતાં ભાજપને સત્તા પરથી હટાવી શક્યું નથી ત્યારે ભારતીય જનતા પાર્ટીના જ સક્સેસ મંત્રને ફોલો કરીને આપ ગુજરાતમાં સત્તાનો સરતાજ બની પરિવર્તનની આંધી ફૂંકવાનું વિચારી રહી છે.

ગુજરાતમાં જે પ્રકારે ભાજપે એકધારી સત્તા ભોગવી છે. તેની પાછળ ભાજપનું વિકાસ મોડલ, કોઇ એક રાષ્ટ્રીય ચહેરો, બૂથ લેવલની સાથે છેક છેવાડા સુધીનું નાગરીકો સાથેનું જોડાણ છે. હવે ભાજપના આજ હથિયારોને ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણીમાં હાથો બનાવીને આમ આદમી પાર્ટી તેને પરાસ્ત કરવાની રણનીતિ પર કામ કરી રહી છે. વિસ્તારથી જાણીએ ભાજપના કયા ચાર સક્સેસમંત્રને ગુજરાતમાં ફોલો કરી રહી છે આમ આદમી પાર્ટી.

ભારતીય જનતા પાર્ટી માટે અત્યારસુધી એકજ પક્ષ મહત્વનો ગણાતો હતો અને એ કોંગ્રેસ હતો. નરેન્દ્ર મોદી હંમેશા કોંગ્રેસમુક્ત રાષ્ટ્રની વાત કરે છે. પરંતુ આમ આદમી પાર્ટી જ્યારથી ગુજરાતમાં એક્ટિવ થઇ છે. ત્યારથી ભાજપના ગુજરાત અને રાષ્ટ્રીય કક્ષાના નેતાઓએ આપને ગંભીરતાથી લેવાની શરૂઆત કરી છે. દિલ્હી અને પંજાબમાં આપને ગંભીરતાથી ન લેતા વિપરિત પરિણામ આવ્યા હતા અને જો ગુજરાતમાં હળવાશથી લેવામાં આવેતો આપ ભાજપને ભારે પડી શકે છે અને એટલા માટેજ આપ દ્વારા કરવામાં આવતા દાવા અને પ્રહારોનો ભાજપ ગંભીરતાથી કાઉન્ટર કરીને જવાબ આપી રહ્યું છે.

(12:39 pm IST)