ગુજરાત
News of Sunday, 22nd May 2022

અમદાવાદ: શહેરના પોશ વિસ્તારમાં રહેતી પરિણીત યુવતીને ફેસબુક મારફતે યુવક સાથે મિત્રતા કેળવવી ભારે પડી

યુવકે શારીરિક સંબંધ બાંધ્યા બાદ ફરિયાદીને બદનામ કરવાની ધમકી આપતા યુવતીએ પોલીસ ફરિયાદ દાખલ કરી

અમદાવાદ: શહેરના પોશ વિસ્તારમાં રહેતી પરિણીત યુવતીને ફેસબુક મારફતે યુવક સાથે મિત્રતા કેળવવી ભારે પડી છે. યુવકે શારીરિક સંબંધ બાંધ્યા બાદ ફરિયાદીને બદનામ કરવાની ધમકી આપતા યુવતીએ આ મામલે હવે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. આજકાલ ફેસબુક પર મિત્રતા કેળવી બાદમાં પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચરવાના અનેક કેસ સામે આવતા રહે છે. ફરિયાદીની ફરિયાદ પ્રમાણે ફેસબુકથી સંપર્કમાં આવેલો યુવક તેનો પતિ નોકરી પર જતો હતો ત્યારે ઘરે પહોંચી જતો હતો. ફરિયાદી વાતચીત કરવાની ના કહે તો તે તેના ઘર નીચે પહોંચી જતો હતો.

બનાવની વિગત જોઈએ તો ફરિયાદી યુવતીને વર્ષ 2019 માં ફેસબુક મારફતે એક યુવક સાથે સંપર્ક થયો હતો. ફેસબુક પર અનેક વખત વાતચીત થયા બાદ બંનેએ મોબાઈલ નંબરની આપ-લે કરી હતી. બાદમાં તેઓ ટેલીગ્રામ અને વોટ્સઅપ પર વાતચીત કરતા બંને વચ્ચે ગાઢ મિત્રતા કેળવાઈ હતી. જોકે, બે વર્ષ પહેલાં આરોપી યુવકે યુવતીને ગુરુકુળ સ્વામિનારાયણ મંદિર પાસે મળવા બોલાવતા બંને મળ્યા હતા. બાદમાં તેઓ વચ્ચે સોશિયલ મીડિયામાં વાતચીત થતી હતી.

આ દરમિયાન ફરિયાદીના પતિ સવારે નોકરી પર જતા હોવાની જાણ આરોપીને થતા તે પોતાની કાર લઈને ફરિયાદીના ઘર પાસે આવતો હતો અને ફરિયાદીને લગ્ન કરવાની ખાતરી આપી તેણીનો વિશ્વાસ કેળવ્યો હતો.

ગત મહિને ફરિયાદી યુવતીના પતિને નાઈટ શિફ્ટ હોવાની જાણ થતાં આરોપી તેના ઘરે આવ્યો હતો અને ફરિયાદીને મકાનના બીજા રૂમમાં લઇ જઇને લગ્નની લાલચ આપીને તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. બાદમાં આરોપી યુવતીને અવારનવાર મળવા માટે બોલાવતો હતો. યુવતી કોઈ જવાબ ન આપ તો તેના મકાન પાસે આવી જતો હતો અને ડોર બેલ વગાડીને યુવતીને પરેશાન કરતો હતો.

આ રીતે યુવક ફરિયાદી યુવતીને તેની સાથે વાતચીત કરવા માટે દબાણ કરતો હતો. ફરિયાદીની દીકરી બહાર ગઈ હતી ત્યારે પણ આરોપીએ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. એટલું જ નહીં, તેઓ વચ્ચેની વાતચીતની જાણ તેના પતિને કરી દેવાની ધમકી આપીને શારીરિક સંબંધ બાંધી બદનામ કરવાની ધમકી પણ આપી હતી. આ તમામ વાતોથી કંટાળીને યુવતીએ સમગ્ર ઘટનાની જાણ તેના પતિને કરીને પોલીસ ફરિયાદ કરી હતી. આ મામલે હાલ પોલીસે યુવતીની ફરિયાદ લઈને આરોપીની પૂછપરછ શરૂ કરીને વધારે કાર્યવાહી હાથ ધરી છે.

(12:49 pm IST)