ગુજરાત
News of Sunday, 22nd May 2022

કેટલાક લોકો રાજકારણમાં આવ્યા, પણ સ્થિતિ ન બદલાઈ, આંદોલનકારીઓએ આંદોલનને રાજકીય રંગ આપ્યો : લાલજી પટેલ

સુરત :હાર્દિક પટેલ સાથે એક સમયે આંદોલનમાં જોડાઈને લડત આપનાર લાલજી પટેલે હાર્દિક પટેલ પર શાબ્દિક પ્રહાર કર્યાં છે. તેમણે કહ્યું કે, કેટલાક લોકો રાજકારણમાં આવ્યા, પરંતુ સ્થિતિ ઠેરની ઠેર છે. એક પાર્ટીમાં જોડાઈને અનુભવ કરી લીધો. આંદોલનકારીઓએ આંદોલનને રાજકીય રંગ આપ્યો છે.

તેમણે કહ્યું કે, SPG દ્વારા 2015 પહેલાથી પાટીદાર સમાજને અનામત મળે તે માટે આંદોલનની શરૂઆત કરવામાં આવી હતા. SPG દ્વારા હાંકલ કરવામાં આવી ત્યારે લાખો યુવાનો આંદોલનમાં ઉમટ્યા હતા. SPG સમાજના રંગે રંગાયું છે, આંદોલન એ રાજકીય રીતે રંગાયું છે. SPGની એક હાંકલથી લાખો યુવકો જોડાતા હોય તો પાટીદાર આંદોલન સમયે જેમના કેસ થયા તેમની જવાબદારી પણ લેવી પડે. અત્યારે SPGની જવાબદારી બને છે કે શહીદ યુવાનોના પરિવારોને ન્યાય અપાવવો. SPG જાહેરાત કરે છે કે જે લાકોએ વિશ્વાસ મુક્યો છે એટલે SPG સામાજિક સંસ્થા છે અને સામાજિક સંસ્થા જ રહેશે.

લાલજી પટેલે કહ્યું કે, સરકારે કહ્યું તમામ કેસો પરત લેશું અને શહીદ થયેલા યુવાનોના પરિવારના સભ્યોને સરકારી કે અર્ધસરકારી નોકરી આપીશું. આ વાત 2017ની ચૂંટણીમાં પણ બોલાતા હતા અને હવે 2022ની ચૂંટણી પહેલા પણ આ વાત થઇ રહી છે. આ મુદ્દાને લઈને અમે ઓગસ્ટ મહિનામાં મુખ્યમંત્રી અને સરકારને રજૂઆત કરીશું. ત્યારબાદ પણ અમારા મુદ્દા પણ ક્લિયર નહીં થાય અને અન્ય કોઈ રાજકીય પક્ષ અમારા મુદ્દા ક્લિયર કરવાની જવાબદારી લેશે તેનું અમે ખુલ્લેઆમ સમર્થન કરીશું. આંદોલનની તાકાત બતાવી હવે અમે વોટની તાકાત બતાવીશું. પાટીદાર અનામત આંદોલન સમાજનું આંદોલન હતું, આ આંદોલનમાં સુવર્ણ સમાજ અને લાખો યુવાનો અમારી સાથે જોડાયા એટલે સરકારે લાભ આપ્યો.

હાર્દિક પટેલ બાબતે લાલજી પટેલે કહ્યું કે, રાજકીય પાર્ટીમાં જોડાવું તે તેનો સ્વતંત્ર નિર્ણય છે. પાટીદાર સમાજ જેટલો પ્રેમ કોઈ પાર્ટીમાં મળશે નહીં એક પાર્ટીનો તેમનો અનુભવ થયો જ છે. તો ચૂંટણી લડવા બાબતે લાલજી પટેલે કહ્યું કે, 28 વર્ષની અંદર ઘણા બધા તાલુકા, જિલ્લા, વિધાનસભા અને લોકસભાની ચૂંટણી ગઈ પણ એ ચૂંટણી લડી નથી. લાલજી પટેલ કોઈ પાર્ટીનો સભ્ય નહીં બને. મારા ભાઈઓને ભલે જ્યાં જવું હોય ત્યાં જાય.

 

(4:36 pm IST)