ગુજરાત
News of Tuesday, 22nd June 2021

પતિનું બીજે અફેર હોવાથી મહિલાને ઘરમાંથી કાઢી મૂકી

વડોદરાના લતીપુરા ગામનો બનાવ : બે સંતાનોના બાપે પત્નીને કહ્યું હતુ કે હું બીજીને પ્રેમ કરું છું તને ફાવે તો રહે નહીંતર મારા ઘરમાંથી નીકળી જા

વડોદરા, તા.૨૧ : છેલ્લા કેટલાક સમયથી લગ્નેત્તર સંબંધોના કારણે કપલ વચ્ચે ખટરાગ ઉભો થવાના કિસ્સા વધ્યા છે. તેમાં પણ લોકડાઉન થયા પછી લગ્નેત્તર સંબંધો ખૂલ્લા પડવાના કિસ્સા વધી રહ્યા છે. જેના કારણે કપલ એક બીજા વિરુદ્ધ આરોપ અને પ્રત્યારોપ લગાવી રહ્યા છે. કેટલાક કિસ્સામાં સમાધાન જોવા મળે છે જ્યારે કેટલાક કિસ્સા કોર્ટ સુધી જતા હોય છે.

આવો જ એક બનાવ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના લતીપુરા ગામે અન્ય સ્ત્રી સાથે અનૈતિક સંબંધો રાખતા બે સંતાનના પિતાએ પત્નીના ઘેરથી દહેજ લઇ આવવા ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકતા પોલીસ ફરિયાદ નોધાઇ છે.

લતીપુરા ગામે રહેતા કાજલ(નામ બદલેલ છે) સોઢાએ પતિ રાજેશ (નામ બદલેલ છે), જેઠ મહેશ(નામ બદલેલ), સાસુ રાજેશ્રીબેન (નામ બદલેલ છે) અને નણંદ રમીલા (નામ બદલેલ છે) સામે મહિલા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારા લગ્ન માર્ચ-૨૦૧૦માં થયા હતાં. લગ્ન બાદ સંતાનમાં બે પુત્રો છે. લગ્નના શરૂઆતના પાંચ વર્ષ સારી રીતે પસાર થયા બાદ સાસુ અને જેઠ મારા પતિને ચઢવણી કરતા હતા કે કરિયાવર કશું લાવી નથી. એમ કહીને મને અપશબ્દો કહેતા અને માનસિક ત્રાસ આપતા હતા.

બીજી તરફ પતિના અન્ય યુવતી સાથે સંબધો છે. મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે તેના પતિના ટીના (નામ બદલેલ છે) નામની યુવતી સાથે અનૈતિક સંબંધો હોવાથી આ અંગે જ્યારે પતિને કહું તો પતિ કહેતો કે હું ટીનાને પ્રેમ કરુ છું એની સાથે થોડા સમયમાં લગ્ન પણ કરવાનો છું, તને ફાવે તો મારા ઘરમાં રહે નહી તો તારા દીકરાઓને લઇ તારી માતાના ઘેર જતી રહે.

પરિણીતાએ પોલીસને જણાવ્યું હતું કે પતિ દારુ પીને આવતો અને મને તેમજ પુત્રોને માર મારતો હતો, પતિના ટીના સાથેના સંબંધો અંગે જ્યારે સાસુ અને નણંદને જાણ કરી તો તેઓ એમ કહેતા કે ટીના પૈસે ટકે મદદ કરે છે, તું કરિયાવરમાં કશું લાવી નથી એક ખૂણામાં પડી રહે. પતિએ ટ્રાન્સપોર્ટનો ધંધો શરું કરવો છે તેમ કહી પિયરમાંથી પૈસા લઇ આવવાની પણ માંગણી કરી હતી. પતિએ મને તેમજ બંને પુત્રોને ઘરમાંથી કાઢી મૂક્યા છે. પોલીસે આ બાબતની ફરિયાદ બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(9:23 pm IST)