ગુજરાત
News of Tuesday, 22nd June 2021

સુરતમાં ખુલ્લેઆમ ગાંજો વેચતા બે શખ્સ ઝડપાયા

શાકભાજીની જેમ મોપેડ પર ગાંજો વેચવા નીકળ્યા : પોલીસે ૨૧ કિલોગ્રામ ગાંજો અને વજન કાંટો જપ્ત કર્યો, ગાંજો પુરો પાડનાર વરાછાનો કાલુ બિહારી વોન્ટેડ જાહેર

સુરત, તા.૨૧ : સુરતમાં માદક દ્રવ્યોનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. અહીં છાસવારે લાખો રૂપિયાની કિંમતનો દેશી અને વિદેશી દારૂ ઝડપાતો રહે છે. આ ઉપરાંત ગાંજો અને ડ્રગ્સ ઝડપાવાના પણ અનેક કેસ સામે આવે છે.

હવે પોલીસે ૨૧ કિલોગ્રામ ગાંજા સાથે બે વ્યક્તિની ધરપકડ કરી છે. અહીં ખાસ વાત એ છે કે બંને વ્યક્તિઓ જાણે કે શાકભાજી વેચવા નીકળતા હોય તે રીતે મોપેડ પર ગાંજો વેચવા માટે નીકળતા હતા.

આ કેસમાં પોલીસે ગાંજાનો જથ્થો પૂરો પાડતા વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો છે. મળતી માહિતી પ્રમાણે સુરતમાં ગાંજાના વેપાર માટે કુખ્યાત ઉત્કલ નગરમાં રહેતા બે ઉડીયા યુવાનો પોતાના મોપેડ પર ગાંજાનો જથ્થો લઇને શાકભાજીની જેમાં વેચાણ કરવા માટે નીકળતા હતા. પોલીસેને આ બાબતે જાણકારી મળતા બંને યુવાનોની ૨૧ કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. આ જથ્થો પુરો પાડનાર વરાછાના કાલુ બિહારીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.

સુરતના કતારગામ અને વરાછા પોલીસની હદમાં આવેલા ઉત્કલ નગર અને અશોક નગર ગાંજાના વેચાણ માટે બદનામ છે. અહીંયા રહેતા ઉડીયાવાસી યુવાનો ગાંજાનો મોટા પ્રમાણ માં વેપાર કરે છે. રેલવે પાટાના બંને બાજુ આ ઈસમો જાણે કે શાકભાજી વેચતા હોય તે રીતે પાથરણા લગાવીને ગાંજાનું વેચાણ કરતા હોય છે.

ઓડિશાથી રેલવે મારફતે ગાંજાનો જથ્થો લાવીને આ લોકો વેચાણ કરતા હોય છે. તેઓ પોતાના ઘરમાં અન્ડરગ્રાઉન જગ્યામાં આ ગાંજાનો જથ્થો સંતાડીને વેચાણ કરતા હોય છે. આ સમયે પોલીસને બાતમી મળી હતી કે બે ઇસમો શાકભાજીની જેમ મોપેડ પર ગાંજાનો વેપાર કરી રહ્યા છે.

 બાતમી મળ્યા બાદ કતારગામ પોલીસે આજે વૉચ રાખીને કતારગામ વિસ્તારમાં આવેલા ઉત્કલ નગરના અંબાજી મહોલ્લામાં રહેતા બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે બાતમીના આધારે સાગર શશિપ્રધાન અને મુકેશ રાઉતને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી ૨૧ કિલો ગાંજો અને એક વજન કાંટો જપ્ત કર્યો હતો.

આ સાથે જ પોલીસે કુલ ત્રણ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ પૂછપરછમાં બંને ઇસમોને ગાંજાનો આ જથ્થો વરાછાના કાલુ બિહારી નામના ઈસમે આપ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ બંને શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરી કાલુ બિહારીને વોન્ટેડ જાહેર કર્યો છે.

(9:22 pm IST)