ગુજરાત
News of Tuesday, 22nd June 2021

ગુજરાતની 6 મેડીકલ કોલેજમાં ટી.બી.થી સાજા થયેલા દર્દીઓ માટે યોગ કોર્સ શરૂ

કુલ 21 દિવસનો યોગ કોર્સ: 7 દિવસ સેન્ટરમાં બોલાવીને યોગ શીખવાડશે અન્ય 14 દિવસ દર્દીઓ પોતાના ઘરે જ આ યોગનું અનુકરણ કરશે

અમદાવાદ : આંતર રાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે પલ્મોનરી રીહેબીલીટેશનના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં કુલ 6 મેડિકલ કોલેજ ખાતે યોગનો કાર્યક્રમ શરૂ કરાયો છે,પ્રત્યેક મેડિકલ કોલેજમાં ઓછામાં ઓછા 20 ટીબીના સાજા થયેલા દર્દીઓને યોગગુરુ દ્વારા તાલીમબદ્ધ કરવામાં આવ્યા હતા.
ટી.બી.થી સાજા થયેલા દર્દીઓ માટે યોગ કોર્સ શરૂ કરતા પહેલા તમામ દર્દીઓના blood report, chest x ray, pulmonary function test વગેરે કરવામાં આવ્યા હતા. 7 દિવસ માટે આ તમામ દર્દીઓને સેન્ટર પર બોલાવી યોગ શીખવાડવામાં આવશે તેમજ અન્ય 14 દિવસ દર્દીઓ પોતાના ઘરે જ આ યોગનું અનુકરણ કરશે અને 21 દિવસ બાદ તમામ દર્દીઓના ફરીથી blood test, Chest Xray, pulmonary function test વગેરે કરવામાં આવશે.

ટી.બી.થી સાજા થયેલા દર્દીઓ માટે યોગ કોર્સ માટે રાજ્યમાં આ 6 મેડીકલ કોલેજ ખાતે યોગ કોર્સ શરૂ કરવામાં આવ્યા છે જેમાં  બી.જે.મેડીકલ કોલેજ, અમદાવાદ.,મેડીકલ કોલેજ, વડોદરા.,ગવર્નમેન્ટ મેડીકલ કોલેજ, સુરત, એમ.પી.શાહ મેડીકલ કોલેજ, જામનગર.,ગવર્નમેન્ટ મેડીકલ કોલેજ, ભાવનગર. GMIRS મેડીકલ કોલેજ, ગાંધીનગર.નો સમાવેશ થાય છે

ટીબી ( ક્ષય ) રોગની બિમારી મુખ્યત્વે શ્વસનતંત્રના ફેફસાંને  અસર કરતી બિમારી છે. જેમાં ફેફસાંની પેશીને ચેપ લાગતા તેની કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે. ફેફસાંમાં લાગતા ચેપના કારણે જરૂરી પ્રાણવાયુ (ઓક્સીજન) સહેલાઈથી શરીરને મળતો ન હોવાથી થાક લાગવો, સ્વભાવ ચિડીયો થવો જેવી અસર થાય છે. જેના કારણે કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે.

યોગ શ્વસન સાથે જોડાયેલ સ્નાયુઓ, ઉદરપટલ અને ફેફસાંની પેશીઓને મજબૂત કરે છે. ટીબી રોગના દર્દીના પુનર્વસન માટે  ફેફસાંની કાર્યક્ષમતામાં વધારો કરી શ્વસનતંત્ર મજબૂત કરવું જરૂરી છે. યોગ શરીર અને મનની મજબૂતાઈ સાથે કાર્યક્ષમતામાં વધારો કરે છે.

યોગ યંત્રવત રીતે શ્વસનતંત્રની કાર્યક્ષમતામાં વધારો કરે છે અને મનને શાંત પાડી સ્વસ્થતાની અનુભૂતિ કરાવે છે. પ્રાણાયામ એ શ્વાસ-ઉચ્છવાસની ક્રિયામાં સુધારો કરી શરીરને જરૂરી પ્રાણવાયુ (ઓક્સિજન) પુરો પાડે છે. ટીબીની સારવાર સાથે શ્વસનતંત્રને મજબુત કરવા યોગ એ અસરકારક શસ્ત્ર છે

(11:41 pm IST)