ગુજરાત
News of Tuesday, 22nd June 2021

અમદાવાદના વાડજમાં હિચકારી ઘટના :પરણિત યુવતી પર પાડોશીએ એસિડ એટેક કર્યો : ચકચાર

અંગત અદાવતમાં પાડોશીએ હુમલો કર્યો: એસિડના છાંટા પડતા બાળકને પણ થોડી ઈજા

અમદાવાદ : શહેરના વાડજ વિસ્તારમાં હિચકારી ઘટના સામે આવી છે.એક પરિણીત યુવતી પર બાજુમાં રહેતા પાડોશીએ એસિડ એટેક કર્યો હોવાનું સામે આવતા પુરા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. અંગત અદાવતમાં પાડોશીએ હુમલો કર્યો હોવાનું સામે આવી રહ્યું છે.

 

આ અંગે મળતી વિગત મુજબ શહેરના વાડજ વિસ્તારમાં મહિલાએ કરેલ પોલીસ ફરિયાદ પરત ખેંચવા માટે ધમકી આપીને અદાવત રાખી એસિડ એટેકનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં યુવતી પગે દાઝી છે, તો આ સમયે ત્રણ વર્ષના બાળક પર પણ એસિડના છાંટા પડતા બાળકને પણ થોડી ઈજા પહોંચી છે.
 જુના વાડજમાં 25 વર્ષીય યુવતી તેના પતિ બે બાળકો સાથે સંયુક્ત પરીવારમાં રહે છે. થોડા દિવસ પહેલા પાડોશમાં રહેતા મનોજ રાઠોડે યુવતીના પતિ સાથે ઝઘડો કરી ઢોર માર માર્યો હતો. જે અંગે યુવતીએ વાડજ પોલીસ સ્ટેશનમાં મનોજ રાઠોડના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ કરી હતી. જોકે આ અંગે અવાર-નવાર મનોજ રાઠોડ ફરિયાદ પાછી ખેંચી લેવાની ધમકી આપતો હતો. ત્યારે શનિવારે તેણે હદ પાર કરી દીધી અને રાત્રીના સમયે યુવતી તેના બાળકો સાથે ઘરે હાજર હતી ત્યારે મનોજ રાઠોડ ઘરના પાછળના તુટેલા દરવાજા પાસે આવ્યો હતો અને યુવતી પર એસીડ ફેક્યું હતું. જેથી આ એસીડ યુવતીના ડાબા પગના પંજાના ભાગે તથા 3 વર્ષના દિકરાને પણ પગના ભાગે એસીડના છાંટા પડ્યા હતા. જેથી યુવતી બુમો પાડવા લાગી હતી. જે જોઈને મનોજ ત્યાંથી પલાયન થઈ ગયો હતો.
યુવતીની ફરિયાદ અનુસાર, એસિડ એટેક બાદ તેણે ધમકી પણ આપી હતી કે, 'આજે તો તું બચી ગઈ છે. પરંતુ હવે પછી મારા હાથે નહિ બચે. તને તો હું પતાવી જ દઈશ.' બીજી બાજુ ઈજાગ્રસ્ત યુવતી અને તેના બાળકને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે વાડજ પોલીસે મનોજભાઈના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(12:55 am IST)