ગુજરાત
News of Tuesday, 22nd June 2021

કોરોનાની રસી નહીં મુકાવનારને મફતમાં નહીં મળવું જોઈએ અનાજ :ધારાસભ્ય યોગેશ પટેલ

રાજ્યના મંત્રીએ આપેલ વિવાદિત નિવેદને ભારે ચર્ચા જગાવી

વડોદરા :મહા રસીકરણ અભિયાનના કાર્યક્રમમાં નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશ પટેલે જણાવ્યું હતું કે, 'જેને રસી મૂકાવી હોય તેને જ મફત અનાજ મળે'. આ નિવેદનને પગલે વડોદરા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેઓએ એમ પણ જણાવ્યું કે, આ અંગે નવનિયુક્ત જિલ્લા કલેકટર અને મુખ્યમંત્રીને પણ રજૂઆત કરશે. રાજ્યભરમાં સરકાર અને તબીબોની મહેનતને કારણે કોરોનાની બીજી ઘાતક વેવમાંથી બહાર આવવામાં સફળતા મળી છે. હાલ કોરોનાના કેસો નિયંત્રણમાં આવી ગયા છે. રાજ્ય સરકાર દ્વારા કોરોનાની વેક્સિન વધુમાં વધુ લોકોને મૂકાવે તે માટે સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકાર દ્વારા કોરોનાની કોવેક્સિન રસીનો જથ્થો પ્રાપ્ત થઇ રહ્યો નથી. જેને કારણે કોવેક્સિનનો બીજો ડોઝ લેનારા લોકો મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે.


એક તરફ લોકોનો કોવેક્સિન રસીનો બીજો ડોઝ અટવાઇ ગયો છે, ત્યારે મંત્રી આવા વિવાદિત નિવેદનથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વડોદરા સહિત દેશભરમાં કોવિડ-19 રસીકરણ મહા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, તેવા સમયે રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલ દ્વારા વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે. મંત્રી યોગેશ પટેલે કહ્યું કે, આજે હું નવા કલેક્ટરને કહેવાનો છું કે, આપણે કંઇક એક નવી યોજના ઘડીએ. હું મુખ્યમંત્રીને કહેવાનો છું. આપણે ભારત સરકાર દ્વારા દિવાળી સુધીને મફત અનાજ આપવાનું છે. તો અનાજ એને જ આપવું જોઇએ જેને રસી મૂકાવી હોય. એવું આજે જ હું વાત કરવાનો છું. મુખ્યમંત્રીને વાત કરવાનો છું.

(1:09 am IST)