ગુજરાત
News of Tuesday, 22nd June 2021

કોરોનાકાળમાં નુકસાની : સાઉથના અઢી દાયકા જૂના કેફે હાઉસના ગુજરાતના ૪૫ આઉટલેટ્‍સના શટર પડી ગયા

૪૦૦૦ કરોડની છે કંપની : દેશ-વિદેશમાં ૧૫૦૦ થી વધુ આઉટલેટસ છે

વડોદરા,તા.૨૨: સાઉથના અઢી દાયકા જુના એક કેફે હાઉસના બરોડાના ૧૦ આઉટલેટ્‍સના શટર પડી ગયાં છે. કોરોના કાળમાં આર્થિક નુકસાનથી હાલ કાર્યરત આઉટલેટ્‍સના લાઇટ બિલ, ભાડા અને સ્‍ટાફનો પગાર પણ બાકી છે. વિજ કંપનીએ સયાજીગંજ આઉટલેટનું કનેક્‍શન કાપ્‍યું, જયારે અન્‍ય બે આઉટલેટ પર લટકતી તલવાર છે.

સાઉથની એક કેફે કંપનીએ લગભગ પંદર વર્ષ અગાઉ નટુભાઇ સર્કલ વિસ્‍તારમાં પોતાના સૌપ્રથમ કેફે આઉટલેટનો પ્રારંભ કર્યો હતો. ત્‍યારબાદ આ કેફે કંપનીએ શહેરના વિવિધ વિસ્‍તારમાં એક પછી એક ૧૪ આઉટલેટ્‍સ કર્યાં હતાં. ચાર હજાર કરોડની આ કંપનીના દેશ-વિદેશમાં દોઢ હજારથી પણ વધુ કેફે આઉટલેટ્‍સ છે. આ કેફે કંપની ફ્રેન્‍ચાઇઝી ન આપી ભાડાની મિલકતમાં પોતાના આઉટલેટ્‍સનું જાતે જ સંચાલન કરે છે. શહેરના ૧૪ આઉટલેટ્‍સમાં આ કંપનીએ મેનેજર સહિત ૫૬ લોકોને રોજગારી આપી છે. અઢી વર્ષમાં અઢી દાયકા જુના કેફે હાઉસના બરોડાના ૧૦ આઉટલેટ્‍સ બંધ થઈ ગયાં છે. કોરોના કાળમાં માંજલપુરના બે અને અલકાપુરીના એક કેફે આઉટલેટ્‍સના શટર પડી ગયાં છે. લોકડાઉનમાં મહિનાઓ કેફે આઉટલેટ્‍સ બંધ રહયાં, જયારે અનલોકમાં કેફે આઉટલેટ્‍સમાં ચકલા ઉડે છે. કોરોના મહામારીને કારણે આ કેફે હાઉસને જંગી નુકસાન થયું છે. સ્‍ટાફનો પગાર, લાઇટ બિલ અને ભાડા સહિતના ખર્ચ કાઢવા માટે હજારો કરોડ રૂપિયાની કંપનીને ફાંફા પડે છે. સયાજીગંજનું કેફે આઉટલેટ્‍સનું બિલ બાકી હોવાથી વિજ કંપનીએ કનેક્‍શન કાપતા હંગામી ધોરણે બંધ થઈ ગયું છે. આ ઉપરાંત ફતેગંજ અને વાસણા રોડના કેફેનું પણ બિલ ન ભરાતા વિજ કંપનીને કનેક્‍શન કાપવાની તજવીજ હાથધરી છે.

 અલકાપુરીના બે, માંજલપુરના બે, ફતેગંજ વિસ્‍તારના બે સહિત નટુભાઇ સર્કલ, ઓલ્‍ડ પાદરા રોડ, અકોટા અને ગેંડા સર્કલ વિસ્‍તારના એક-એક કેફે આઉટલેટ્‍સ બંધ થઈ ગયાં છે.

આ કંપનીનો શેરનો ભાવ એક સમયે રૂ.૨૫૦થી વધુ હતો. પાંચ વર્ષ દરમિયાન રૂ.૨૩૦નો ઘટાડો થયો હતો. એક વર્ષમાં કંપનીની આવકમાં પણ લગભગ દોઢ હજાર કરોડનો ફટકો પડયો હોવાનું મનાય છે.

સૂત્રોએ જણાવ્‍યું હતું કે, વડોદરા સહિત રાજયભરમાં કેફેના ૭૨ જેટલાં આઉટલેટ્‍સ હતાં. જે પૈકી ૪૫ જેટલાં કેફે આઉટલેટ્‍સ બંધ થઈ ગયાં છે. એક પછી એક કેફે આઉટલેટ્‍સ બંધ થતા હોવાથી ત્‍યાં નભતા કર્મચારીઓ આર્થિક સંકળામણનો અનુભવ કરી રહયાં હોવાનું ચર્ચાઈ રહયું છે.

(10:45 am IST)