ગુજરાત
News of Tuesday, 22nd June 2021

આજે અને કાલે અમદાવાદ, ગાંધીનગર બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં ભારે વરસાદ પડશે

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઃ ર૩મી બાદ પાંચ દિવસ વરસાદની સંભાવના એકદમ ઓછી હવામાન ખાતું

અમદાવાદ, તા. રર :  રાજ્યમાં ચારેકોર ચોમાસું  જામ્યું છે. ગુજરાતનાં મોટાભાગનાં વિસ્તારોમાં મેઘ મહેર જોવા મળી રહી છે. તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાત અને આસપાસ સાયકલોનિક સર્ક્યૂલેશન છવાયું છે જેના કારણે આજે અને આવતી કાલે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ સાથે જણાવ્યું કે, ૨૩ જૂન બાદ પાંચ દિવસ વરસાદની સંભાવના એકદમ ઓછી છે. મહત્ત્વનું છે કે, અત્યાર સુધીમાં ગુજરાતમાં સીઝનનો ૨૯ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે.

સોમવારે વરસાદી આંકડાની વાત કરીએ તો, ખેડા અને કાલાવાડમાં સાડા ત્રણ ઈંચ વરસાદ, માતરમાં ૩ ઈંચ વરસાદ, જ્યારે માંડલમાં ૨.૫ ઈંચ વરસાદ તો રાજકોટમાં પણ પોણા બે ઈંચ વરસાદ /ૂવરસ્યો છે. આ સાથે દિવસ દરમિયાન ૨૨ તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જેમાં મહુવામાં બે કલાકમાં ૧.૬૫ ઈંચ સાથે કુલ ૨.૪૮ ઈંચ વરસાદ ખાબક્યો હતો. આજે ૩૦ તાલુકા એવા હતા જ્યાં વરસાદનું પ્રમાણ અડધા ઈંચથી વધુ રહ્રયું હતું.

અમદાવાદમાં પણ ભારેથી મધ્યમ વરસાદ વરસી શકે છે તો સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, દ્વારકા, પોરબંદરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સારો વરસાદ થવાની સાથે જ ખેડૂતોએ ખરીફ પાકની વાવણીનો પ્રારંભ કર્યો છે. ચાલુ વર્ષે ખેડૂતોએ ખરીફ પાકમાં કપાસ અને મગફળીનું વાવેતર વધુ કર્યું છે. આ વર્ષે ગુવારનું ઓછું વાવેતર જોવા મળી રહ્રયું છે. રાજ્યમાં અત્યાર સુધી ૯૯ હજાર ૩૮૨ હેકટરમાં ખેડૂતોએ સૌથી વધુ કપાસનું વાવેતર કર્યું છે.

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના માછીમારોને ૨૪ જૂન સુધી દરિયો નહીં ખેડવા માટે ચેતવણી આપી છે. એ ઉપરાંત દરિયાઈ વિસ્તારના માછીમારોને પણ ૬૦ કિમી સુધીનો પવન ફૂંકાવાની આગાહી હોવાથી દરિયામાં નહીં જવા માટે સૂચના આપવામાં આવી છે. માંડવી, દીવ, ઓખા અને જખઉના દરિયામાં ભારે પવનને કારણે ૩થી ૪ મીટર ઊંચાં મોજાં ઊછળી શકે છે.

હવામાન વિભાગ મુજબ રાજ્યમાં ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે આજ સુધીમાં ૨૯ ટકા વરસાદ વધુ પડ્યો છે.જ્યારે હજી પણ સાત જિલ્લામાં વરસાદની ઘટ  જોવા મળી રહી છે. જેમાં તાપી,ડાંગ, છોટાઉદેપુર, ગીર- સોમનાથ, પોરબંદર અને દાહોદમાં ઓછા પ્રમાણમાં વરસાદ થયો છે.

(1:05 pm IST)