ગુજરાત
News of Tuesday, 22nd June 2021

રાજ્યના ૧૪ જિલ્લાના અંદાજે ૧.૨૬ લાખ આદિજાતિ ખેડૂત ભાઇ-બહેનોને રૂ. ૩૧ કરોડના ખર્ચે ખાતર અને બિયારણ અપાશે : વિજયભાઇ રૂપાણી

આદિજાતિ વિસ્તારના ૧૪ જિલ્લાના વનબંધુ ખેડૂતોના લાભાર્થે કૃષિ વૈવિધ્યકરણ યોજના ૨૦૨૧-૨૨નો ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી : કોરોના રસી અંગેની ખોટી અફવા- અંધશ્રદ્ધાઓથી દૂર રહીને આ વિસ્તારના તમામ ભાઇ-બહેનો રસી મૂકાવવા અનુરોધ કરતા મુખ્યમંત્રીશ્રી

રાજકોટ, તા. રર : મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કૃષિ વૈવિધ્યકરણ યોજના ૨૦૨૧-૨૨નો ગાંધીનગરથી વર્ચ્યુઅલી પ્રારંભ કરાવતાં જણાવ્યું હતું કે, ગુજરાતના વનબાંધવો દ્વારા થતી ખેતી ટકાઉ અને કમાઉ બને તે માટે રાજ્ય સરકાર સંકલ્પબંદ્ધ છે. ખેડૂતોની આવક બમણી કરવાના ભાગરૂપે રાજ્યના અંબાજીથી ઉમરગામ સુધીની સમગ્ર આદિજાતિ પટ્ટીના ૧૪ આદિજાતિ જિલ્લાના ૧ લાખ ૨૬ હજાર જેટલા વનબંધુ ખેડૂતોને રૂ. ૩૧ કરોડની માતબર રકમથી ખાતર-બિયારણ ટૂલ કિટ સહાયનો લાભ આ વર્ષે અપાશે.

તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકારે પાછલા એક દશક એટલે કે ૧૦ વર્ષમાં કૃષિ વૈવિધ્યકરણ યોજના અન્વયે કુલ ૧૦ લાખ વનબંધુ ખેડૂતોને રૂ. ૨૫૦ કરોડની સહાય આપવામાં આવી છે. તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આદિજાતિ ભાઇ-બહેનોના સર્વાંગી વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના અમલી બનાવી હતી. અમારી સરકારે આ યોજનાને આગળ વધારતાં વનબંધુ કલ્યાણ યોજના પાર્ટ-૨ ની આ વર્ષે જાહેરાત કરી છે જે અંતર્ગત આગામી પાંચ વર્ષમાં રૂ. ૧ લાખ કરોડના ખર્ચે વનબંધુઓનો વિકાસ કરાશે. 

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત આદિજાતિ ખેડૂતોને એક એકર જમીન માટે સુધારેલ જાતના વિવિધ શાકભાજીના બિયારણ અથવા મકાઇના પાક માટે બિયારણનો લાભ આપવામાં આવે છે. ખેડૂતોને કીટમાં ૪૫ કિલોગ્રામ યુરિયા, ૫૦ કિલોગ્રામ ફભ્ધ્, ૫૦ કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ જ્યારે આર્ગેનિક ખેતીને પ્રાધાન્ય આપવા ૫૦ કિલોગ્રામ ઓર્ગેનિક ખાતર પણ સામેલ કરાયું છે. આદિજાતિ વિસ્તારના વનબંધુ ખેડૂતો પરંપરાગત ખેતીને સ્થાને ટેકનોલોજીના વિનિયોગથી આધુનિક ખેતી તરફ વળે  અને આર્થિક સમૃદ્ધિ મેળવે તે આ યોજનાનો મુખ્ય હેતુ છે તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે કહ્યું હતું કે, આદિજાતિ જિલ્લાના ડુંગરાળ પ્રદેશમાં ખેતી માટે સિંચાઇ અને પીવાના પાણીની સુવિધા મળી રહે તે માટે છેલ્લા ચાર વર્ષમાં આ વિસ્તારમાં કુલ રૂ. ૬૬૦૦ કરોડની ૧૬૪૪ યોજનાને મંજૂરી અપાઇ છે જેનાથી ૫.૪૩ લાખ એકર જમીનને સિંચાઇની સુવિધા મળશે. બે દિવસ પહેલા જ દમણગંગા જળાશાય આધારિત રાજ્યના દુર્ગમ એવા કપરાડા અને ધરમપુર માટે રૂ. ૭૯૭ કરોડની ઉદ્દવહન સિંચાઇ યોજનાની મંજૂરી આપવામાં આવી છે.  

તેમણે વનબંધુ કલ્યાણ યોજના દ્વારા રાજ્યના આદિજાતિ વિસ્તારના લોકો તેમજ ખેડૂતોના પરિવારોના શિક્ષણ આરોગ્ય રોજગારી સહિતના સર્વગ્રાહી વિકાસને નવી દિશા મળી છે તેવો મત પણ વ્યકત કર્યો હતો. રાજ્યના આદિજાતિ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને તે દ્વારા પણ સારું ખેત ઉત્પાદન મેળવે તેવી નેમ રાખી છે. ડાંગ જિલ્લાને સંપૂર્ણ ઓર્ગેનિક ખેતીનો જિલ્લો બનાવવામાં આવી રહ્યો છે.

રાજ્યના આદિજાતી ખેડૂતો તેમને મળનારી સહાય લાભથી આ વર્ષે વધુ ખેત પેદાશો ઉત્પાદન કરશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, સર્વજન હિતાય સર્વજન સુખાયના મંત્ર સાથે અમારી સરકાર એક-એક વનબાંધવોના કલ્યાણ માટે સતત કાર્યરત છે. રાજ્યના દુર્ગમ વિસ્તારોમાં કોરોનાની સારવાર બાદ રસીકરણ અભિયાન પણ સફળ રીતે ચાલી રહ્યું છે. રસીકરણ અંગેની ખોટી અફવા- અંધશ્રદ્ધાઓથી દૂર રહીને આ વિસ્તારના તમામ લોકો રસી મૂકાવે અને ગુજરાતને કોરોનાથી મુકત બનાવવા પણ મુખ્યમંત્રીશ્રીએ વનબાંધવોને અનુરોધ કર્યો હતો.  

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, નવસારી, સુરત, તાપી, વલસાડ અને ડાંગ જિલ્લાના આદિજાતિ ખેડૂતોને સંબોધન કર્યું હતું.

આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ગણપતભાઈ વસાવાએ કૃષિ વૈવિધ્યકરણ યોજનાની વિગતો આપીને મુખ્યમંત્રીશ્રી રૂપાણીના નેતૃત્વમાં આદિજાતિ વિસ્તારોમાં થયેલા વિકાસ કામોની રૂપરેખા આપી હતી.

ગાંધીનગર ખાતે ઞ્લ્જ્ઘ્ના કાર્યવાહક ચેરમેન અને અધિક મુખ્ય સચિવશ્રી મુકેશ પુરી, આદિજાતિ વિકાસ વિભાગના  સચિવશ્રી ડૉ. મુરલી  ક્રિષ્ણા જયારે વીડિયો કોન્ફરન્સ માધ્યમથી આદિજાતી વિકાસ રાજ્ય મંત્રીશ્રી રમણભાઇ પાટકર, જિલ્લા કક્ષાએ સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી તેમજ પ્રાયોજના વહીવટદાર સહિત હોદ્દેદારો અને આદિવાસી લાભાર્થી ખેડૂત ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

(3:25 pm IST)