ગુજરાત
News of Tuesday, 22nd June 2021

ધો. ૧રના પરીણામથી અસંતુષ્ઠ છાત્રોને પરીક્ષાની બીજી તકને આવકારતું શાળા સંચાલક મંડળ

શિક્ષણ બોર્ડના નિર્ણયથી છાત્રોને કાબેલીયત સાબીત કરવાની તક મળશે : ગાજીપરા

રાજકોટ, તા. રર : ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૨ના જે વિદ્યાર્થીઓને માસપ્રમોશનનું પરિણામ માન્ય ન હોય તેમને પરીક્ષા આપવાની તક પુરી પાડવાના નિર્ણયને વધાવવામાં આવ્યો.

 

આ અંગે ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરાએ જણાવ્યું હતું કે શિક્ષણ બોર્ડના આ નિર્ણયના કારણે વિદ્યાર્થીઓને ધોરણ ૧૨ બોર્ડ જેવી મહત્વની પરીક્ષામાં પોતાની કાબેલીયત સાબિત કરવાની તક મળી શકશે. આપણી શિક્ષણ પધ્ધતીમાં વિદ્યાર્થીઓને તેમની સક્ષમતા સાબિત કરવા માટે પરિક્ષાનું મૂલ્યાંકન મોટો ભાગ ભજવે છે, જેના આધારે તેઓ આત્મવિશ્વાસપૂર્વક તેમનું લક્ષ્યાંક નક્કી કરી શકે છે. ધોરણ ૧૨ જેવા અગત્યના વર્ષમાં વિદ્યાર્થીના આખા વર્ષની મહેનત અને પરીક્ષાના મૂલ્યાંકનના આધારે તેમની કારકિર્દીને ચોક્કસ દિશા પ્રાપ્ત થતી હોય છે. આ વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા કોરોનાને લીધે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જે માસ પ્રમોશનનો નિર્ણય જાહેર કરાયો અને તેમાં માર્કસ આપવા માટેનું જે માળખુ અને ફોર્મ્યુલા જાહેર કરાઈ, તે ઘણા વિદ્યાર્થીઓને સ્વિકાર્ય નહી રહે તેવુ માલુમ જણાતા, જે નિર્ણય જાહેર કરાયો કે સરકારના આપેલા પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીએ પોતાનું પરિણામ દિવસ ૧૫ માં પરત જમા કરાવવું અને તેમના માટે અલગ પરિક્ષા યોજાશે. આ વિદ્યાર્થી હિતના નિર્ણય માટે રાજય સરકાર, શિક્ષણ વિભાગ, અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનો સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ આભાર વ્યકત કરે છે.

આ નિર્ણયને ગુજરાત મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરા, ઉપપ્રમુખ જતિનભાઇ ભરાડ, સવજીભાઇ પટેલ, એમ. પી. ચંદ્રન, ઉત્પલભાઇ શાહ, મહામંત્રી રાજેશભાઇ નાકરાણી, રાજકોટ જીલ્લાના પ્રમુખ ડી. વી. મહેતા, ઉપપ્રમુખ અવધેશભાઇ કાનગડ, ઉપપ્રમુખ ડો. ડી. કે. વડોદરીયા, મહામંત્રી પરીમલભાઇ પરડવા, મહામંત્રી પુષ્કરભાઇ રાવલ, સૌરાષ્ટ્ર ઝોન કન્વીનયર જયદિપભાઈ જલુ અને મેહુલભાઈ પરડવા તથા મહામંડળના સલાહકાર સમિતી, કોર કમિટી અને કારોબારી સમિતીના તમામ સભ્યો દ્વારા વધાવવામાં અને આવકારવામાં આવે છે.

(3:29 pm IST)