ગુજરાત
News of Tuesday, 22nd June 2021

પ્રધાનમંત્રી કુદરતી સંશાધનોના ઉપયોગ માટે સતત પ્રયત્નશીલઃ અમદાવાદમાં અમિતભાઇ શાહના હસ્તે વૃક્ષારોપણઃ ધારાસભ્યો અને આગેવાનો સાથે બેઠક

અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે. આજે અમિત શાહ સિન્ધુભવન વિસ્તારમાં વૃક્ષારોપણ કર્યું હતું. ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ એનેક્ષી ખાતે સંસદીય વિસ્તારના ધારાસભ્યો અને આગેવાનો સાથે બેઠક કરી હતી.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વૃક્ષારોપણ કાર્યક્રમ બાદ જણાવ્યું હતું કે, વૃક્ષો છે તો આપણે છે. વૃક્ષો છે તો પૃથ્વીનું અસ્તિત્વ છે. પ્રધાનમંત્રી પણ કુદરતી સંશાધનોના ઉપયોગ માટે સતત પ્રયત્નશીલ છે. પરંપરાગત વીજળીના ઉપયોગ સમયે પર્યાવરણને મોટું નુકસાન થતું હોય છે.

વિશ્વભરમાં સૌથી વધુ ગ્રીન કવર ધરાવતું શહેર અમદાવાદને બનાવવું જોઇએ. વાવાઝોડામાં અનેક વૃક્ષો ધરાશાયી થયા છે જે દુ:ખદ છે. પરંતુ કુદરત સામે આપણે લાચાર છીએ. નુકસાન થયું પણ એને ભુલીને આગળ વધવાનું છે. દેશના પ્રધાનમંત્રીએ એક ઇનિશિએટિવ લીધો છે.

દેશના 80 કરોડ લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણ નક્કી કર્યું છે. ગાંધીનગર લોકસભા માટે હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવ્યો છે. રસીકરણ અને અનાજ વિતરણ માટે મુશ્કેલી હશે તો 7324873248 નબંર પર સંપર્ક કરી શકશો. રવિવાર સવારથી આ નંબર એક્ટિવ થશે.

જો કે ત્યારબાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ એનેક્ષી ખાતે બેઠક યોજી છે. સંસદીય વિસ્તારના ધારાસભ્યો અને આગેવાનો સાથે બેઠક યોજી છે. આ બેઠકમાં મહેસુલ મંત્રી કૌશિક પટેલ, ધારાસભ્યો ભુપેન્દ્ર પટેલ, કિશોર ચૌહણ, અવિંદ પટેલ હાજર રહ્યા હતા.

આ ઉપરાંત એએમસીના સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટ અને ધારાસભ્ય હર્ષ સંઘવી તેમજ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા પણ હાજર રહ્યા હતા. તેમજ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ પણ બેઠકમાં હાજરી આપવા પહોંચ્યા છે.

(4:56 pm IST)