ગુજરાત
News of Tuesday, 22nd June 2021

હવે દારૂ પીવાની પરમીશન માંગનારાઓની સંખ્યામાં વધારોઃ જુન મહિના સુધીમાં ૭૨૩ લોકોએ નવી પરમીટ લીધીઃ ૧ હજારથી વધુએ રિન્યુ કરાવી

અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે. દારૂનો જથ્થો પકડાવાથી લઈને, દારૂની મહેફિલો પર દરોડાથી લઈને અનેક પુરાવા રોજબરોજ મળતા હોય છે. અને હવે તો દારૂ પીવાની પરમિશન માંગનારાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને કોરોનાકાળમાં. કોરોનાકાળમાં દારૂની પરમિટ માટે પરમિશન માંગનારાઓની સંખ્યા વધી રહી છે. જે બતાવે છે કે ગુજરાતના દારૂના શોખીનોની સંખ્યા વધી રહી છે.

ગુજરાતમાં દારૂના શોખીનો વધ્યા

એક આંકડા મુજબ, છેલ્લા ચાર વર્ષમાં દારૂની પરમિટ લેનારાઓની સંખ્યા વધી, તેમાં પણ કોરોનાકાળમાં દારૂની પરમિટ માંગનારીઓની પણ સંખ્યા વધી છે. કોરોનાને કારણે ગુજરાતમાં પરમિટ આપવાની કામગીરી થોડો સમય માટે બંધ હતી. પરંતુ પરમિશન આપવાની કામગીરી શરૂ થયા બાદ આ વર્ષે જૂન મહિના સુધીમા 723 લોકોએ નવી અને 1 હજારથી વધુ પરમિટ રિન્યુ કરાવી છે.

પરમિટ માંગનારાઓની સંખ્યા વધી રહી છે

તો બીજી તરફ, 2018 થી પરમિટ માંગનારાઓની સંખ્યા વધી રહી છે. 2018 ના વર્ષે 3108 નવી પરમિટ અપાઈ હતી, તો 5701 પરમિટ રિન્યૂ કરાઈ હતી. 2019 માં 580 નવી પરમિટ અપાઈ હતી અને 2285 રિન્યુ કરાઈ હતી. તેના બાદ વર્ષ 2020 માં 1600 પરમિટ નવી અપાઈ હતી અને 1663 પરમિટ રિન્યુ કરાઈ હતી. 2021 માં અત્યાર સુધી 723 નવી પરમિટ અપાઈ છે, અને 1003 પરમિટ રિન્યુ કરાઈ છે.

આ આંકડા બતાવે છે કે ગુજરાતમાં પરમિટ માંગનારોની સંખ્યા વધી રહી છે. પરમિટ કરાવવા માટે અમદાવાદમાં એજન્ટ પણ હોય છે. જેઓ પરમિટ કઢાવવાના બહાને લોકો પાસેથી 40 થી 50 હજાર રૂપિયા પડાવે છે.

ઉલ્લેખનીય છે કે, સરકારના નિયમ અનુસાર, નશાબંધી વિભાગ દ્વારા તબીબી અભિપ્રાયના આધારે જરૂરિયાતમંદ કથિત દર્દીઓને દારૂ માટે હેલ્થ પરમીટ આપવામાં આવતી હોય છે. જે અરજદારોની નોંધણી નશાબંધી વિભાગમાં કરવામાં આવે છે. જેના પરવાનેદાર લોકો નિયત થયેલાં યુનિટ સરકાર માન્ય લીકર શોપ પરથી મેળવતાં હોય છે. લોકો સ્વાસ્થ્યનું કારણ ધરીને દારૂની પરમિટ માંગતા હોય છે.

(4:57 pm IST)