ગુજરાત
News of Tuesday, 22nd June 2021

કેન્‍દ્રીય મંત્રી અમિતશાહે ગુજરાત ભાજપના રાજકીય નેતાઓ સાથે બેઠક યોજી

મુખ્‍યમંત્રી તેમજ પ્રદેશ પ્રમુખ સાથે બંધ બારણે બેઠક કરેલ : સરકાર અને સંગઠનની સ્‍થિતિ નારાજ હોવાનું તેના ચહેરા પરથી જણાયું : સંગઠનની કામગીરીનું પ્રેઝન્‍ટેશન પણ કરાયું હતું : અધિકારીઓ સાથે પણ બેઠક કરી સુચનો કર્યા

અમદાવાદ: રાજ્યમાં અત્યારે રાજકીય ભૂકંપ સર્જાયો હોય તેવી સ્થિતિ ઉદ્ભવી છે. આમ તો વિધાનસભા ચૂંટણીને દોઢ વર્ષ જેટલો સમય હજુ બાકી છે ત્યારે સરકાર અને સંગઠનની સ્થિતિ કથળેલી હોવા જોવા મળી રહી છે જેના કારણે અમિત શાહ નારાજ હોવાનું સામે આવ્યું છે. આથી સવારના સિંધુભવન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ પૂર્ણ કરીને તુરંત અમિત શાહ સીધા જ સર્કિટ હાઉસ જવા રવાના થયા હતા અને બેઠકોનો દોર જામ્યો હતો.

સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ જો વાત કરીએ તો અમિત શાહએ ગઈ કાલના રોજ સીએમ અને ડેપ્યુટી સીએમ સાથે બંધ બારણે બેઠક કરી હતી અને આજે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે પણ બેઠક કરી હતી. જેમાં સંગઠન દ્વારા કરવામાં આવેલી કામગીરીના 2 પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતાં. કોરોના કાળ દરમિયાન કરવામાં આવેલી કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ સિવાય સી.આર.પાટીલ સાથે પણ એકાંતમાં બેઠક યોજી હતી. જેમાં આગામી ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી હતી અને તેની શું તૈયારીઓ છે તેના પર પણ ચર્ચા કરવામાં આવી છે. આ સિવાય એક બાબત એ પણ સામે આવી રહી છે. શહેરી મતદાર એ ભાજપનો મતદાર માનવામાં આવે છે પણ કોરોના કાળમાં બીજેપીની આબરુનું ધોવાણ થઈ ચૂક્યું છે એવામાં એક્શન પ્લાન પર ચર્ચા કરવામાં આવી છે.

તમને જણાવી દઇએ કે, સંગઠન સરકાર સાથે સંકલન રાખીને નથી ચાલી રહ્યું. સંગઠન પોતાના મનસ્વી રિતે વર્તી રહ્યું છે જેથી સરકારની પણ આબરૂ ઘટી રહી છે અને છાંટા ઉડે એવી કામગીરી થઈ રહી છે જેથી અમિત શાહ નારાજ છે અને પાટીલને આ અંગે ઠપકો પણ મળ્યો છે. તો બીજી તરફ અધિકારીઓ સાથે પણ બેઠક યોજી હતી જેમાં સીએમ રૂપાણી હાજર રહ્યાં હતાં. તો એ સિવાય રાજ્યમાં જેની પાસે કોરોનાની બીજી લહેર દરમ્યાન કોરોનાને લગતી જવાબદારીઓ હતી તે તમામ અધિકારીઓ હાજર રહ્યાં હતાં. જેમાં રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમ, કે કૈલાશનાથન, વિજય નહેરા, પંકજ કુમાર, રાજીવ ગુપ્તા સરકાર દ્વારા તમામ સંભવ મદદ કરવામાં આવી હતી. પરંતુ વહીવટી પાંખની અણઆવડત કહો કે આ વ્યવસ્થા કહો જેના કારણે લોકો હેરાન થયા અને આબરુનું ધોવાણ થયું છે જેથી આ તમામ અધિકારીઓ સાથે અમિત શાહે સીધી વાત કરી હતી.

એક તરફ અમિત શાહ ગુજરાત પ્રવાસે હતાં બીજી તરફ સંગઠન મહામંત્રી વી. સતીષ ગુજરાતના સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરી રહ્યાં હતાં. આ તરફ અમિત શાહ પહેલાં સીએમ ડેપ્યુટી સીએમ સાથે બેઠક યોજી અને બાદમાં સી.આર પાટીલ સાથે બેઠક યોજી તમામ હિલચાલ રાજકીય ઉથલ પાથલ તરફ ઈશારો કરી રહી છે.

અમિત શાહ સંગઠને કરેલી કામગીરીનું પ્રેઝન્ટેશન જોવાના હતાં જે પહેલેથી નિશ્ચિત હતું સર્કિટ હાઉસ સી.આર પાટીલની હાજરીમાં પ્રેઝન્ટેશન જોવાના હતા તેમ છતાં પૂર્વ પ્લાનિંગ ના હોય એ રીતે અંતિમ ઘડીએ ટીવી અને સ્ટેન્ડ મંગાવી અમિત શાહને પ્રેઝન્ટેશન બતાવ્યું હતું.

સર્કિટ હાઉસ ખાતેની અમિત શાહની તમામ મુલાકાત દરમિયાન તેમના 'હનુમાન' હિતેશ બારોટ હાજર રહ્યાં

અમિત શાહે અલગ અલગ મોરચે બેઠક માટે પદાધિકારીઓ અને હોદ્દેદારોને બોલાવ્યા હતાં. આમ તો કોર્પોરેશનને લગતો કોઈ પ્રશ્ન હતો નહીં તેમ છતાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ હાજર રહ્યાં હતાં. હિતેશ બારોટ ભલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય પરંતુ અમિત શાહની કોર ટીમના સભ્ય છે જેથી તે હાજર રહ્યાં હતાં.

સાયન્સ સીટી ખાતે ડેવલોપમેન્ટ કામગીરી ચાલી રહી છે આ સિવાય વાત કરીએ તો અમિત શાહે ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે ચાલી રહેલી હોટેલ ની કામગીરી અંગે પણ ચર્ચા કરી હતી તો સબરમટી ખાતે ગાંધી આશ્રમ ડેવલોપમેન્ટ પ્રોજકેટની સમીક્ષા કરી હતી અને ક્યાં સુધીમાં કામગીરી પૂર્ણ થશે તેની માહિતી મેળવી હતી.

(9:19 pm IST)