ગુજરાત
News of Wednesday, 22nd June 2022

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા રાજ્યના યુવક-યુવતીઓ માટે હિમાલયમાં નિ:શુલ્ક શિખર આરોહણનું આયોજન

૧૮ થી ૪૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ અરજી કરી શકશે : ઇચ્છુક ઉમેદવારે તા. ૩૦ જુન, ૨૦૨૨ સુધીમાં અરજી કરવાની રહેશે

રાજકોટ તા.૨૨ :         યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની માઉન્ટ આબુ ખાતે કાર્યરત સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા દ્વારા સંભવિત ૨૫ જુલાઇ, ૨૦૨૨થી ૨૩ ઓગષ્ટ ૨૦૨૨ દરમિયાન હિમાલય વિસ્તારમાં નિ:શુલ્ક શિખર આરોહણનું આયોજન કરવામાં આવનાર છે, જેમાં માટે ભાગ લેવા ઇચ્છુક ૧૮ થી ૪૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓએ તા. ૩૦ જૂન, ૨૦૨૨ સુધીમાં અરજી કરવાની રહેશે.

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના કમિશનરશ્રીની યાદીમાં જણાવ્યા અનુસાર તાલીમમાં જોડાવવા ઇચ્છતા યુવક-યુવતીઓએ સાદા કાગળમાં અરજી કરવાની રહેશે. અરજીમાં પોતાનું પુરું નામ, સરનામું, ટેલિફોન નંબર, જન્મ તારીખ, ઇ-મેઇલ એડ્રેસ, શૈક્ષણિક લાયકાત (ધોરણ-૧૨ પાસનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઇએ) વગેરે દર્શાવવાનું રહેશે. તદ્ઉપરાંત અરજીની સાથે શારીરિક તંદુરસ્તી અંગેનું તબીબી પ્રમાણપત્ર, ગુજરાતના વતની હોવાનો દાખલો, વાલીની સંમતિ, જન્મ અને રહેઠાણનો પુરાવો, કોવિડના બન્ને ડોઝ લીધાનું પ્રમાણપત્ર, ખડક ચઢાણનો કોચિંગ કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યાનું આ સંસ્થાના હિમાલય ભ્રમણ કાર્યક્રમમાં ભાગ લીધા અંગેનું પ્રમાણપત્ર, બરફના બેઝિક, એડવાન્સ તથા અન્ય કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર તથા શિખર આરોહણ અભિયાનમાં ભાગ લીધા તથા સફળતાપૂર્વક પુર્ણ કર્યા અંગેનું પ્રમાણપત્ર સામેલ રાખવા જરૂરી છે. 

માઉન્ટ આબુ/ જુનાગઢ ખાતે નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન માનદ્ ઈન્સ્ટ્રક્ટર તરીકે સેવાઓ આપી હોય તો તેની વિગતો દર્શાવવાની રહેશે. સંપૂર્ણ વિગતો સાથેની અરજી તા.૩૦/૦૬/૨૦૨૨ સુધીમાં આચાર્યશ્રી, સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, સાધના ભવન, માઉન્ટ આબુ–૩૦૭૫૦૧ને નિયત તારીખ સુધીમાં ઇ-મેઇલ (admissions@gujmount.com)/ હાર્ડકોપીમાં મોકલી આપવાની રહેશે (ઇ-મેઇલથી અરજી મોકલનારે શારીરીક કસોટી સમયે હાર્ડકોપી સાથે લાવવાની રહેશે) તથા શારીરીક કસોટી માટે ઉમેદવારને બોલાવવામાં આવે ત્યારે સ્વ-ખર્ચે હાજર થવાનું રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉમેદવારોની લાયકાત, ગુણવત્તા તથા શારીરીક કસોટીના આધારે પસંદગી કરાશે. પસંદગી પામેલ ઉમેદવારોને શિખર આરોહણ સમયે તેમના વતનથી માઉન્ટ આબુ સુધી જવા-આવવાના પ્રવાસ ખર્ચ, ભોજન ખર્ચ તેમજ નિવાસ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા નિ:શુલ્ક પુરી પાડવામાં આવશે. અન્ય વ્યક્તિગત સાધનસામગ્રીની વ્યવસ્થા ઉમેદવારે જાતે કરવાની રહેશે. પસંદગી પામેલ ઉમેદવારને તેની જાણ કરવામાં આવશે તેમ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના કમિશનરશ્રીની યાદીમાં જણાવાયુ છે.

દિપક જાદવ                                      

(4:24 pm IST)