ગુજરાત
News of Thursday, 22nd July 2021

હાથમાં ઝાડુ લઈને નીકળે તો શરમ આવે કે નહીં? : આપણો ડંડો જ બરાબર છે એ જાળવી રાખજો. : સી.આર.પાટીલ

ખેડૂત રાતે ડંડો લઈને નીકળે છે, એક હાથમાં ડંડો હોય અને બીજા હાથમાં લાઇટ હોય : હમણાં એક પાર્ટી ઝાડુ લઈને નીકળી પડી છે : મહેસાણામાં એક કાર્યક્રમમાં પાટીલે આમ આદમી પાર્ટી પર કર્યા પ્રહાર

અમદાવાદ : ગુજરાતમાં વર્ષ 2022માં થનારી વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે. આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે જ્યારે સામે પક્ષે ભાજપ દ્વારા કમર કસી લેવામાં આવી છે. ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલને હાલમાં જ પદ પર એક વર્ષ પૂર્ણ થયા છે. એવામાં પાટીલે ફરીવાર આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે.

મહેસાણામાં એક કાર્યક્રમમાં પાટીલે કહ્યું કે ખેડૂત રાતે ડંડો લઈને નીકળે છે, એક હાથમાં ડંડો હોય અને બીજા હાથમાં લાઇટ હોય. હમણાં એક પાર્ટી ઝાડુ લઈને નીકળી પડી છે. જે ખેડૂત ડંડો લઈને ફરતો હોય તે હાથમાં ઝાડુ લઈને નીકળે તો એને શરમ આવે કે નહીં? આપણો ડંડો જ બરાબર છે એ જાળવી રાખજો. 

પાટીલે ગુજરાતમાં થઈ રહેલા ગર્ભપાતનાં કેસ વિષે પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે કેટલાક લોકો ગર્ભ પરીક્ષણ કરાવે છે અને જો દીકરી હોય તેનો ગર્ભપાત કરાવી નાંખે છે અને દીકરીઓની સંખ્યા ઘટતી જાય છે. આપણે અસલામત સમાજની રચના તરફ આગળ વધી રહ્યા છીએ. આજે અહિયાં બહેનો હશે તેમને કોઈ જાતનો ડર નહીં હોય, એ મોડા ઘરે પહોંચશે તો પણ ડર નથી. પણ જો આ રીતે જ દીકરીઓની સંખ્યા ઘટતી જશે તો આ બહેનોએ પોતાની સલામતી માટે દિવસમાં પણ પોતે ઘરમાં અંદર તાળું મારીને રહેવું પડશે એવા સમાજની રચના થઈ જશે. એ ન થાય તેની જવાબદારી આપણી છે.

(9:25 pm IST)