ગુજરાત
News of Thursday, 22nd July 2021

રાજય કેબિનેટની મીટીંગ મળશે

આવતા સપ્તાહથી ધો.૯ થી ૧૧ના વર્ગો ઓફલાઇન શરૂ થાય તેવી શકયતાઃ આજે નિર્ણય લેવાશે

અમદાવાદ, તા.૨૨: ગુજરાતમાં આવતા સપ્તાહથી ધો.૯ થી ૧૧ના વર્ગો શરૂ થાય તેવી શકયતા છે. અત્રે એ નોંધનીય છે કે ધો.૧૨ના વર્ગો શરૂ થઇ ગયા છે. કોરોનાના કેસ ઘટતા સરકારે શાળા શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષતામાં આજે બપોરે કેબિનેટ બેઠક મળશે. જેમાં રાજયમા હાલની કોરોનાની સ્થિતિ અને વેકિસનેશનની સ્થિતિ અંગે ચર્ચા કરાશે. તેમજ મંત્રીઓએ અલગ અલગ જિલ્લાઓમા કરેલા પ્રવાસ અને તેના મુદ્દાઓ પર ચર્ચા કરાશે. આ ઉપરાંત ઓગસ્ટ મહિનામાં સરકારની પાંચ વર્ષની ઉજવણીના પ્લાનિંગ અંગે આ બેઠકમાં આખરી ઓપ અપાઈ શકે છે. આ ઉપરાંત આ બેઠકની મહત્વની ચર્ચા ધોરણ ૯-૧૧ ના વર્ગો ચાલુ કરવા અંગે હશે.

રાજયમાં ધોરણ ૧૨ અને કોલેજના ઓફલાઈન વર્ગો શરૂ થઈ ગયા છે. કોરોનાને કારણે ઘરમાં પૂરાઈ રહેલા અને ઓનલાઈન કલાસથી કંટાળેલા વિદ્યાર્થીઓ હોંશેહોંશે શાળામાં આવી રહ્યા છે. ત્યારે હવે ધોરણ ૯ થી ૧૧ ના વર્ગો ઓફલાઈન શરૂ કરવાની માંગ ઉઠી છે. ત્યારે ગુજરત સરકાર દ્વારા આ અંગે આજે કેબિનેટ બેઠકમા વિચારણા કરવામાં આવશે. આગામી સોમવારથી સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવે તેવી શકયતા છે.

ગુજરાતના અનેક શહેરોની શાળાઓ દ્વારા ધોરણ ૯ થી ૧૧ ના વર્ગો શરૂ કરવા માંગણી કરાઈ છે. કોરોના મહામારી કાબુમાં આવી રહી છે. અને બધું જ ખુલી રહ્યું છે, ત્યારે સ્કૂલો જ શા માટે બંધ રાખવામાં આવી રહી છે. તબક્કાવાર તમામ વર્ગો શરૂ કરવા સંચાલક મંડળ દ્વારા માંગ કરાઈ છે.

શાળા સંચાલકોનું માનવુ છે કે, જે રીતે કોરોનાની બીજી લહેર પહેલા શાળાઓ તબક્કાવાર ખોલવાની મંજુરી અપાઈ હતી, તે જ રીતે આ વખતે પણ મંજૂરી આપવામા આવે. શાળા સંચાલકો પૂરતી તકેદારી સાથે એક પણ બનાવ ન બને તેની કાળજી રાખીને શરૂ કરશે. ત્યારે આ હેતુથી આજની કેબિનેટ બેઠક બહુ જ મહત્વની બની રહેશે.

(10:45 am IST)